ત્રણ કરોડની અંબરગ્રિસ સાથે બે જણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે પોલીસે બે આરોપીની ધરપકડ કરી અંદાજે ત્રણ કરોડ રૂપિયાના મૂલ્યની અંબરગ્રિસ (વ્હેલની ઊલટી) જપ્ત કરી હતી.
વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કિરણકુમાર કબાડીએ જણાવ્યું હતું કે અમુક લોકો તસ્કરીની વસ્તુ સાથે વાગળે એસ્ટેટ પરિસરની એક હોટેલ નજીક આવવાના હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે છટકું ગોઠવી બૅગ સાથે આવી પહોંચેલા બે શકમંદને તાબામાં લીધા હતા.
તાબામાં લેવાયેલા મુઝમિલ મઝર સુભેદાર (45) અને શહજાદ શબ્બીર કાદરી (46) રાયગડથી આવ્યા હતા અને તેમની પાસેથી અંબરગ્રિસ મળી આવી હતી, જેનું મૂલ્ય ત્રણ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
વ્હેલની ઊલટીને તરતું સોનું કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી કિંમત પ્રાપ્ત થાય છે. લક્ઝરી પરફ્યૂમ બનાવવા માટે અંબરગ્રિસનો ઉપયોગ થતો હોવાનું કહેવાય છે.