ટિટવાલા નજીક ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવતાં બે પ્રવાસી જખમી
થાણે: મધ્ય રેલવેના ટિટવાલા-ખડવલી સ્ટેશન વચ્ચે દોડતી લોકલ ટ્રેન પર પાટા નજીકની ઝૂંપડપટ્ટીમાંથી પથ્થર ફેંકવામાં આવતાં ફૂટબોર્ડ પર ઊભેલા બે પ્રવાસી જખમી થયા હતા. સારવાર માટે બન્નેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કલ્યાણ રેલવે પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની રાતે આઠ વાગ્યાની આસપાસ બની હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી નીકળેલી કસારા લોકલ ટિટવાલા-ખડવલી સ્ટેશન દરમિયાન પહોંચી ત્યારે ટ્રેનમાં પ્રવાસીઓની ખાસ્સી ભીડ હતી.
આપણ વાંચો: Passengers Attention Please: મધ્ય રેલવેના આ મહત્ત્વના સ્ટેશન પર થવા જઈ રહ્યો છે મહત્ત્વનો ફેરફાર…
રેલવે ટ્રેક પાસેની ઝૂંપડપટ્ટીમાંથી અજાણ્યા શખસે લોકલ પર પથ્થર ફેંક્યો હતો. ટ્રેનના ફૂટબોર્ડ પર ઊભેલા બે પ્રવાસીને પથ્થર વાગ્યો હતો, જેમાંથી એકના માથામાં ગંભીર ઇજા થઈ હતી. સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયેલા બન્ને પ્રવાસીએ આ ઘટનાની ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે પોલીસે જાતે જ તપાસ હાથ ધરી હતી. પથ્થર ફેંકનારા શખસની ઓળખ મેળવવા માટે પોલીસ સ્ટેશન નજીકના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આંબિવલી, શહાડ પરિસરમાં દોડતી ટ્રેન પર પથ્થર મારવાની ઘટનાઓ બની છે. અમુક ઘટનાઓમાં રેલવે પાટા નજીક રમનારા બાળકો ટ્રેન પર પથ્થર મારતા હોવાનું સામે આવ્યું હતું.