કોસ્ટલ રોડ પરના પ્રોમોનેડ પર બે નવા બાયો ટોઈલેટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કોસ્ટલ રોડ પરના પ્રોમોનેડ પર બે નવા બાયો ટોઈલેટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે મુંબઈ કોસ્ટલ રોડના પ્રોમોનેડ પર બે બાયો ટોઈલેટ મુંબઈગરા માટે ખુલ્લા મુકયા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વર્ચ્યુલ ઉદ્ઘાટન કર્યા બાદ ૧૫ ઑગસ્ટના રોજ ૫.૫ કિલોમીટર લાંબા પ્રોમોનેડને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવાના બે મહિના પછી બાયો ટોઈલેટનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પહેલું શૌચાલય વરલી ડેરીની સામે આવેલા અંડરપાસ પાસે અને બીજું ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર બિંદુ માધવ ઠાકરે ચોકની ઉત્તરે આવેલા અંડરપાસ પાસે બનાવવામાં આવ્યું છે.

સોલિડ વેસ્ટર મેનેજમેન્ટ વિભાગના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે કોસ્ટલ રોડ રીક્લેમ કરેલી (દરિયામાં ભરણી કરીને મેળવેલી જગ્યા) જમીન પર બનાવવામાં આવ્યો હોવાથી અહીં ગટરલાઈનના અભાવે તેના પર શૌચાલય બનાવવાનું એક પડકારજનક કામ હતું. તેથી અહીં બાઈ ટોઈલેટ બનાવવાનો વિકલ્પ અમલમાં મૂકવામાં આવ્યો હતો.

આ સુવિધાઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઉત્પાદિત બાયો-ડાઈજેસ્ટ ટાંકીથી સજ્જ છે. આ ટાંકીઓ આંતરિક રીતે જૈવિક કચરાની પ્રક્રિયા કરે છે. તેથી અંડરગ્રાઉન્ડ ગટર લાઈનની કોઈ આવશ્યકતા નથી. આ ઉપરાંત શૌચાલયો સંપૂર્ણપણે સોલાર પેનલ પર ચાલે છે. તેથી વીજળી અને વીજળી માટે લાઈનની પણ જરૂર નથી.

કોસ્ટલ રોડ પર કુલ ચાર બાયો ટોઈલેટ હશે. હાલમાં બે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. બાકી બે આગામી પખવાડિયામાં ચાલુ કરી દેવામાં આવશે. દરેક શૌચાલયમાં ૧૧ શૌચાલય બેઠક છે. દિવ્યાંગ લોકો પણ તેને સરળતાથી વાપરી શકે તે મુજબના બનાવવામાં આવ્યા છે.

પ્રિયદર્શની પાર્કથી બાન્દ્રા-વરલી સી-લિંકના વરલી છેડા સુધી ફેલાયેલો ૭.૪૭ કિલોમીટરનો પ્રોમોનેડ મરીન ડ્રાઈવ કરતા લાંબો છે અને તેમાં સાઈકલ ટ્રેક અને બેઠક વિસ્તારો પણ છે. આ રસ્તો બ્રીચ કેન્ડી એ વરલી ખાતે પ્રિયદર્શની પાર્ક વચ્ચે ફેલાયેલો છે અને દરિયાને સમાંતર ચાલે છે.

આ પણ વાંચો…વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ: 1,244 વૃક્ષ કાપવા પડશે, 990 વૃક્ષનું પુન:રોપણ કરાશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button