એનજીઓ પાસે લાંચ માગવા બદલ પાલિકાના બે અધિકારીની ધરપકડ

મુંબઈ: બિલ ક્લિયર કરવા માટે એનજીઓ પાસે લાંચ માગવા બદલ પાલિકાના બે અધિકારીની એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી.
મહાનગરપાલિકાના એલ વોર્ડના અધિકારી સતીષ દગડખૈર અને નીતિન સાબળેએ રૂ. 84 હજારનું બિલ ક્લિયર કરવા માટે એનજીઓ ચલાવતા આઇટીઆઇ કાર્યકર્તા પાસે રૂ. 12 હજારની લાંચ માગી હતી. એનજીઓએ સ્વચ્છ મુંબઈ પ્રબોધન અભિયાન હેઠળ કામ કર્યું હતું.
દરમિયાન એસીબીએ સાકીનાકાના સફેદપુલ વિસ્તારમાં છટકું ગોઠવીને દગડખૈર અને સાબળેને રૂ. 10 હજારની લાંચ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યા હતા. બંને વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અમારું ટેન્ડર સ્વીકારવામાં આવ્યા બાદ અમે ડિસેમ્બરમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કામ કર્યું હતું. જોકે બે અધિકારી બિલ ક્લિયર કરવા માટે અમારી પાસે લાંચ માગી રહ્યા હતા અને અમને હેરાન કરી રહ્યા હતા, એમ એનજીઓના પદાધિકારી અને ફરિયાદીએ કહ્યું હતું. (પીટીઆઇ)