આજથી મુંબઈમાં બે દિવસ ડેબ્રીઝ ક્લીનિંગ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાલ સમગ્ર મુંબઈમાં મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તેને કારણે ઠેર ઠેર બેરીકેડ્સ જોવા મળી રહ્યા છે. આ બેરીકેડ્સની આસપાસ જોકે નાગરિકો દ્વારા થૂંકવાથી લઈને કચરો ફેંકવાની તથા ધૂળ અને કચરાના ઢગલો થવાનું પ્રમાણ વધ્યું છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ શનિવારથી બે દિવસ માટે ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરી છે, જેનો હેતુ સમગ્ર મુંબઈમાં આવેલી ક્ધસ્ટ્રક્શન સાઈટ પર જોવા મળતા કાટમાળ, તૂટેલા પેવર બ્લોક સહિત ક્ષતિગ્રસ્ત ડિવાઈડરને દૂર કરવાનો રહેશે. આ ડ્રાઈવ શનિવારે સવારના સાત વાગ્યાથી શરૂ થશે અને રવિવારે સાંજે છ વાગ્યા સુધી ચાલશે.
હાલ મુંબઈમાં અનેક જગ્યાએ મેટ્રો રેલના તથા રસ્તાના કૉંક્રીટાઈઝેશન સહિત મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેને કારણે આ વિસ્તારોમાં રેતી તથા રસ્તાઓ પર કાટમાળનો ઢગલો પડેલો જણાઈ રહ્યો છે, જે અનેક વખત એક્સિડન્ટ માટે કારણભૂત બનતા હોય છે. ખાસ કરીને ટૂવ્હીલર માટે તે જોખમી હોય છે. તો રાહદારીઓ માટે પણ તેને કારણે રસ્તે ચાલવું તકલીફદાયક હોય છે. તેથી પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાટમાળ દૂર કરવા અને શહેરના મુખ્ય રસ્તાઓ પર તમામ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઈટની યોગ્ય જાળવણીની ખાતરી કરવા માટે બે દિવસ સ્વચ્છતા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. શહેરના તમામ વોર્ડમાં ૧૪ ડિસેમ્બર, ૨૦૨૪ના સવાર સાત વાગ્યાથી રવિવાર સાંજ સુધી બે દિવસ આ ડ્રાઈવ રહેશે.
Also read: ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પરાગ ઇંગ્લિશ સ્કૂલ, ભાંડુપ વિજેતા…
આ ઝુંબેશ હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયરે પોતપોતાના વોર્ડમાં જયાં બેરીકેડ્સ મૂકવામાં આવ્યા છે તે રસ્તાઓને ઓળખી કાઢવાના રહેશે અને સ્વચ્છતા અભિયાનને અમલમાં મૂકશે. પ્રેશર જેટનો ઉપયોગ કરીને બેરીકેડ્સને સારી રીતે ધોવામાં આવશે અને તેની આસપાસની ધૂળ, ગંદકી અને કાટમાળને સાફ કરશે. કાટમાળ ભેગો કરવા માટે અલગ ડમ્પરોની મદદ લેવાશે, જેમાં પેવર બ્લોક, તૂટેલા ડિવાઈડર, ઈંટ સહિતના સામાનન સમાવેશ રહેશે. કાટમાળથી ભરાઈ ગયેલા ટ્રકને ક્ધસ્ટ્રકશન એન્ડ ડેબ્રિઝ (સીએન્ડ ડી) વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવસે. ધૂળને ડામવા માટે મિસ્ટિંગ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
આ દરમિયાન પાલિકા દ્વારા ચલાવવામાં આવતી ‘ડેબ્રિઝ ઓન કોલ’ સર્વિસ માટે મુંબઈ શહેર અને પૂર્વ ઉપનગર સહિત પશ્ર્ચિમ ઉપનગર માટે ચાલુ કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર પર શુક્રવારે દિવસ દરમિયાન મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ૧૬૦ જેટલા નાગરિકોએ કાટમાળ રસ્તા પર ગમે ત્યાં ફેંકવામાં આવ્યો હોવાની ફરિયાદ આવી હતી. મુંબઈ શહેર અને પૂર્વ ઉપનગર માટે ૧૮૦૦-૨૦૨-૬૩૬૪ અને પશ્ર્ચિમ ઉપનગર માટે ૧૮૦૦-૨૧૦-૯૯૭૬ નંબર જાહેર કરવામાં આવ્યા છે.