અહો આશ્ચર્યમ! પુણેમાં બે સગા ભાઇઓની જાતી અલગ-અલગ… એક મરાઠા તો એક કુણબી
પુણે: મરાઠા અનામત હાલમાં રાજ્યમાં સૌથી મોટો ચર્ચાનો વિષય છે. સરકાર સામે મોટો પડકાર ઊભો કરનાર મુદ્દો પણ મરાઠા અનામત છે. મરાઠાની કુણબી તરીકે નોંધ કરી ઓબીસીમાં અનામત આપવાની માંગણી થઇ રહી છે. તે માટે સરકાર દ્વારા જૂના સંદર્ભોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યાં હવે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોમાં પુણે જિલ્લાના આંબેગાવ તાલુકામાં સગા ભાઇઓની અલગ અલગ જાતી હોવાનું જણાઇ રહ્યું છે. જેમાં એક ભાઇના જાતીના દાખલા પર કુણબી તો બીજાના દાખલા પર મરાઠા તરીકે નોંધણી કરવામાં આવી છે. તેથી હવે મરાઠા અનામત બાબતે શિંદે સમિતીના અહેવાલ સામે પ્રશ્ન ઊભો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પુણે જિલ્લાના આંબેગાવ તાલુકામાં સગા ભાઇઓની અલગ અલગ જાતી હોવાની વિગતો જાણવા મળી છે. એક ભાઇની કુણબી તો બીજાની મરાઠા જાતી સ્કૂલના દાખલામાં નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મરાઠા અનામતને કારણે ઉગ્ર બનેલ વાતાવરણ શાંત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાં જ હવે આ હકિકત સામે આવતા હોબાળો મચી ગયો છે. આંબેગાવ તાલુકાના માત્ર એક જ ગામમાં 1120 નોંધણી મળી છે. સ્કૂલ દ્વારા આ અંગે દસ્તાવેજ પણ રજૂ કરવામાં આવ્યા છે. સગા ભાઇઓની અલગ અલગ જાતીનો આ પહેલો જ કિસ્સો સામે આવ્યો છે, જોકે રાજ્યમાં આવા ઘણાં કિસ્સા હોવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. જેમાં કેટલાંકની નોંધણી કુણબી તરીકે તો કેટલાંકની મરાઠા તરીકે થઇ નોંધણી થઇ હશે. જેને કારણે શિંદે સિમીતી દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલ સામે પ્રશ્નો ઊભા થઇ રહ્યાં છે.