કોંગ્રેસને હવે ક્યા બે વિધાનસભ્ચ કરશે બાય બાય?: મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાનો દોર પણ શરૂ થયો છે અને કાર્યકર્તાઓ તેમ જ પદાધિકારીઓ પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં સામેલ થઇ રહ્યા છે. એવામાં મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા ખાતે કૉંગ્રેસના બે વિધાનસભ્યોએ બેઠક યોજી હતી.
કૉંગ્રેસના વિધાનસભ્યો હિરામણ ખોસકર અને જિતેશ અંતાપૂરકરે વર્ષા ખાતે હાજરી લગાવતા હવે તે કૉંગ્રેસનો સાથ છોડવાની તૈયારીમાં હોવાનું કહેવાઇ રહ્યું છે. બંને વિધાનસભ્યો ટૂંક સમયમાં કૉંગ્રેસનો હાથ છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થશે તેવી ચર્ચા છે. ચૂંટણી પૂર્વે જ બે વિધાનસભ્યો કૉંગ્રેસનો સાથ છોડે તો મહાવિકાસ આઘાડીને મોટો ફટકો પડી શકે છે.
આ પણ વાંચો : 177 બેઠકો પર વિજયનો વાવટો ફરકાવશે મહાયુતિ?
ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને આમ કરનારા વિધાનસભ્યો વિરુદ્ધ કૉંગ્રેસ દ્વારા કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે. જોકે, કૉંગ્રેસ પગલાં લે તે પૂર્વે જ અમુક વિધાનસભ્યો કૉંગ્રેસને રામ રામ કહી દે તેવી શક્યતા જણાઇ રહી છે.
જોકે અંતાપૂરકરે પોતાની મુલાકાત વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તે મુખ્ય પ્રધાનને ‘ઇ-પીક નિરીક્ષણ’ યોજના મુદ્દે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાનને મળ્યા હતા અને આ દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય ચર્ચા થઇ નહોતી. જ્યારે ખોસકરે તે વિકાસ માટે નાણા ભંડોળ બાબતે ચર્ચા કરવા માટે શિંદેને મળ્યા હોવાનું જણાવ્યું હતું.
કૉંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢએ પણ પક્ષપલટાની વાતો ફગાવતા કામ માટે વિધાનસભ્યો મુખ્ય પ્રધાનને મળ્યા હોવાનું જણાવ્યું હતું.