25 લાખની સોનાની બિસ્કિટ્સ ભરેલી બૅગ ઝૂંટવી ફરાર થયેલા બે પકડાયા…

થાણે: ભાયંદરમાં વેપારીના હાથમાંથી પચીસ લાખ રૂપિયાની કિંમતની સોનાની બિસ્કિટ્સ ભરેલી બૅગ ઝૂંટવી ફરાર થઈ ગયેલા બે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા.
આ પણ વાંચો : પથ્થર અને બામ્બુ ફટકારી શ્વાનને મારી નાખ્યો: બે જણ સામે ગુનો…
ભાયંદર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ સુનીલ નિનવા પાટીલ (56) અને રામાનંદ છોટેલાલ યાદવ (46) તરીકે થઈ હતી. ગયા મહિને બનેલી આ ઘટનામાં પાટીલને જળગાંવના ભડગાંવ ખાતેથી, જ્યારે તેના સાથી યાદવને થાણેથી તાબામાં લેવાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓએ 26 નવેમ્બરે નાલાસોપારા પૂર્વમાં રહેતા ફરિયાદીને ટાર્ગેટ કર્યો હતો. ફરિયાદી સોનાની બિસ્કિટ્સ એક બૅગમાં રાખીને ભાયંદર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ તેની નજીક આવ્યા હતા. ફરિયાદી કંઈ સમજે તે પહેલાં આરોપી બૅગ ઝૂંટવીને રિક્ષામાં ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : ‘મેટ્રો વુમન’ અશ્વિની ભિડેની CM ના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક…
આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજને આધારે આરોપીની ઓળખ મેળવી તેમના મોબાઈલને ટ્રેસ કરવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા બન્ને આરોપી પાસેથી અંદાજે 20 લાખ રૂપિયાની સોનાની બિસ્કિટ્સ હસ્તગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)