નવી મુંબઈ સેક્સ રૅકેટમાં વધુ બેની ધરપકડ: આઠ યુવતી છોડાવાઈ

થાણે: રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કર્યા બાદ સેક્સ રૅકેટનો પર્દાફાશ કરનારી નવી મુંબઈ પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી આઠ યુવતીને છોડાવી હતી.
ઑનલાઈન ગ્રાહકો મેળવ્યા પછી દેહવેપાર માટે વિવિધ લોજમાં યુવતીઓ મોકલનારી ગૅન્ગ સક્રિય હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે ગુરુવારની રાતે નવી મુંબઈની એક લોજમાંથી યુવતીને છોડાવાઈ હતી, એમ નવી મુંબઈ પોલીસના એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ સેલના ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઘોરપડેએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ પોલીસે બોગસ ગ્રાહકની મદદથી માહિતીની ખાતરી કરી હતી. લોજમાં યુવતીને છોડવા આવેલા રિક્ષા ડ્રાઈવર પ્રદીપ યાદવને પકડી પાડવામાં આવ્યો હતો. યાદવ સાથેની યુવતીએ આપેલી માહિતી પરથી પોલીસે નેરુળ પરિસરના શિરવણે સ્થિત એક રૂમમાંથી આઠ યુવતી છોડાવી હતી.
આ કેસમાં પોલીસે વધુ બે આરોપી વિષ્ણુ ઉર્ફે વિકાસકુમાર જાનકી યાદવ (28) અને ઈન્દ્રજિત ઈન્દ્રદેવ પ્રસાદ (63)ની પણ ધરપકડ કરી હતી. આ રૅકેટનો કથિત સૂત્રધાર શંભુ ઉપાધ્યાય ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આ પ્રકરણે તુર્ભે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)