કુરિયર કંપનીની ઑફિસમાંથી 1.85 કરોડની રોકડ ચોરનારા બનાસકાંઠાના બે પકડાયા
નોકરે જ વતનના બે મિત્રની મદદથી કરાવી ચોરી: રેલવે પોલીસની સતર્કતાથી આરોપી પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગિરગામ પરિસરમાં આવેલી કુરિયર કંપનીની ઑફિસમાંથી 1.85 કરોડ રૂપિયા ચોરવાના કેસમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં રહેતા બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કંપનીના નોકરે જ વતનના બે મિત્રની મદદથી ચોરી કરાવી હતી, પરંતુ રેલવે પોલીસની સતર્કતાથી આરોપી ઝડપાઈ ગયો હતો. ફરાર આરોપીના ઘરમાંથી પણ 51 લાખ રૂપિયા હસ્તગત કરાયા હતા.
વી. પી. રોડ પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ ધનજી પ્રવીણ સિંહ રાજપૂત (20) અને વિજય માનાજી રાજપૂત (19) તરીકે થઈ હતી. આરોપીઓના ફરાર સાથી હિતેશ રાજપૂત (20)ની પોલીસ શોધ ચલાવી રહી છે.
આપણ વાંચો: ટ્રેનમાંથી 7.37 લાખના દાગીના ભરેલી બૅગ ચોરવા પ્રકરણે બે સગીર સહિત ચાર પકડાયા
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી વિજય રાજપૂત ગિરગામની એક કુરિયર કંપનીની ઑફિસમાં કામ કરતો હતો. ઑફિસનું કામકાજ વિજય અને નરેશને સોંપવામાં આવ્યું હતું. 21 ફેબ્રુઆરીએ ફરિયાદીની ઑફિસમાં આવેલી 1.85 કરોડની રોકડ કબાટમાં રાખવામાં આવી હતી. બીજે દિવસે નરેશે ફરિયાદીને કૉલ કરી કબાટમાંની રોકડ ચોરાઈ હોવાની જાણ કરી હતી.
ફરિયાદીએ ઑફિસની બહાર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં ઘટનાની સવારે વિજય ઑફિસ બંધ કરીને કામ નિમિત્તે બહાર ગયા પછી માસ્ક પહેરેલા બે શખસ ત્યાં આવ્યા હતા. ડુપ્લિકેટ ચાવીની મદદથી ઑફિસ ખોલીને બન્ને જણે રોકડ ચોરી હતી. આ પ્રકરણે વી. પી. રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: કોર્ટમાંથી વકીલોની કીમતી વસ્તુઓ ચોરવા પ્રકરણે મહિલા વકીલની ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ ચોરીનું કાવતરું વિજયે ઘડ્યું હતું અને તેના વતન બનાસકાંઠામાં રહેતા મિત્ર ધનજી અને હિતેશને ડુપ્લિકેટ ચાવી પૂરી પાડી ચોરી કરવા કહ્યું હતું. ધનજી વતન જવા માટે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચ્યો ત્યારે રેલવે પોલીસને તેની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસેે ધનજી પાસેની બૅગ તપાસતાં એક કરોડ રૂપિયા મળ્યા હતા. ધનજી પકડાયો હોવાનું જોઈ તેની પાછળ આવેલો હિતેશ રફુચક્કર થઈ ગયો હતો.
રેલવે પોલીસે કરેલી પૂછપરછમાં ધનજીએ ગુનો કબૂલ્યો હતો. વધુ તપાસ માટે તેને વી. પી. રોડ પોલીસને સોંપાયો હતો. ચોરી વિજયને ઇશારે કરાઈ હોવાનું ધનજીએ પૂછપરછમાં જણાવતાં પોલીસે વિજયની પણ ધરપકડ કરી હતી. પોલીસ હિતેશના બનાસકાંઠા સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. હિતેશ હાથ લાગ્યો નહોતો, પરંતુ તેના ઘરમાંથી 51 લાખ રૂપિયા મળી આવ્યા હતા, જે પોલીસે તાબામાં લીધા હતા.