પબમાં રિવોલ્વર સાથે પ્રવેશીને યુવતીની છેડતી કરવા પ્રકરણે બે જણની ધરપકડ

મુંબઈ: અંધેરી વિસ્તારમાં આવેલા પબમાં પ્રવેશીને રિવોલ્વરની ધાકે દહેશત નિર્માણ કરવા અને પાર્ટીમાં હાજર યુવતીની છેડતી કરવા બદલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ સમદ રઇસ ખાન (23) અને મોહંમદ આસિફ અબ્દુલ રશિદ ખાન (56) તરીકે થઇ હોઇ તેમની પાસેથી રિવોલ્વર જપ્ત કરાઇ હતી.
અંધેરી પશ્ચિમના અંબોલી વિસ્તારમાં આવેલા પબમાં 7 જાન્યુઆરીએ આ ઘટના બની હતી. બંને આરોપી રિવોલ્વર લઇને પબમાં પ્રવેશ્યા હતા અને દહેશત નિર્માણ કરીને યુવતીની છેડતી કરી હતી. આ ઘટનાની જાણ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓને થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બાદમાં ગુનામાં સામેલ બંને આરોપીને પકડી પાડ્યા હતા.
આરોપીઓએ જે યુવતીની છેડતી કરી હતી તેણે નોંધાવેલી ફરિયાદને આધારે અંબોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓ માલવણી અને જોગેશ્વરીના રહેવાસી હોઇ તેમને વધુ તપાસ માટે અંબોલી પોલીસને હવાલે કરાયા હતા. આરોપી સમદ ખાન કેબલ ઓપરેટર હોઇ તેની વિરુદ્ધ છ ગુના દાખલ છે.