વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા બે એન્ટી સ્મોગ મશીન ભાડા પર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડવાની સાથે જ જુદી જુદી ઉપાયયોજના અમલમાં મૂકી છે, તેના ભાગરૂપે ૩૦ એન્ટી સ્મોગ મશીન ખરીદવાની છે, તે માટે તેણે ટેન્ટર પ્રક્રિયા પણ અમલમાં મૂકી છે. જોકે આ પ્રક્રિયામાં અમુક કારણથી થઈ રહેલા વિલંબને પગલે પાલિકાએ હવે આ મશીન ભાડા પર લઈને કામ ચલાવી રહી છે. હાલ પૂર્વ અને પશ્ચિમ ઉપનગરમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈની હવામાં ધુળનું પ્રમાણ નિયંત્રણમાં લાવવા પાલિકાએ ગાઈડલાઈન બહાર પાડી છે. એ સાથે જ પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહેલે સંબંધિત વિભાગને પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. તેમ જ દરેક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર એન્ટી સ્મોગ મશીન બેસાડવાનો પણ આદેશ આપ્યો હતો. તે મુજબ પાલિકાએ ૩૦ એન્ટી સ્મોગ મશીન ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી હતી. પરંતુ વર્ક ઓર્ડર બહાર પાડ્યા બાદ ૧૮૦ દિવસની અંદર આ મશીનનો પુરવઠો થવાની શરત ટેન્ડરમાં છે. તેથી અઢીથી ત્રણ મહિનાના સમયગાળામાં આ મશીન મળે એવી શક્યતા છે. તેથી કમિશનરે ધૂળને નિયંત્રણમાં રાખવા માટે ભાડા પર આ પ્રકારના મશીન લેવાનો આદેશ આપ્યો છે.
તેથી વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને પાલિકાએ કાયમી સ્વરૂપના મશીનનો કબજો મળતો નથી ત્યાં સુધી ભાડા પર આવા પ્રકારના મશીન વાપરવાનો નિર્ણય લીધો છે. તેથી ૨૪ વોર્ડ માટે એક-એક એમ ૨૪ મશીન ભાડા પર લેવામાં આવવાના છે. જે હેઠળ પહેલા તબક્કામાં બે મશીન પાલિકાને મળી ગયા છે, જે હાલ પૂર્વ અને પશ્ર્ચિમ પરામાં વાપરવામાં આવી રહ્યા છે.