પોલીસના સ્વાંગમાં વૃદ્ધના દાગીના પડાવી બે આરોપી ફરાર

થાણે: થાણે જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં 70 વર્ષના વૃદ્ધના દાગીના પડાવીને બે આરોપી ફરાર થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર 24 ઑગસ્ટે સવારે 11.15 વાગ્યે આ ઘટના બની હતી. ફરિયાદી વૃદ્ધ દામોદર પાટીલ કારમાં મુંબઈ-નાશિક હાઇવે પર લોઢા ધામ ખાતેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આરોપીઓએ સિક્યુરિટી ચેકિંગને બહાને પાટીલની કારને રોકી હતી.
આ પણ વાંચો: ભિવંડીમાં સાધુના સ્વાંગમાં યુવક સાથે છેતરપિંડી
તેમણે પાટીલને તેમના દાગીના કાઢીને તેને કાગળમાં વીંટાળી કારના ડેશબોર્ડ ડ્રોવરમાં રાખવાની સૂચના આપી હતી.
બંનેએ બાદમાં પાટીલને વાતોમાં પરોવી રાખ્યો હતો અને હાથચાલાકીથી કાગળમાં વીંટાળી રાખેલા દાગીના કાઢી લીધા હતા અને તેની જગ્યાએ પથ્થર રાખ્યા હતા. બંને જણ બાદમાં ત્યાંથી જતા રહ્યા હતા.
દરમિયાન પાટીલે કાગળ ખોલીને જોતાં તેમાં દાગીનાને બદલે પથ્થર મળી આવ્યા હતા. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં પાટીલે નારપોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)