પાલઘરમાં અપહરણ બાદ યુવકની હત્યા: બે ફરાર આરોપી પકડાયા
પાલઘર: પાલઘર જિલ્લામાં 27 વર્ષના યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરવાના કેસમાં બે ફરાર આરોપીને પોલીસે પકડી પાડી લોકઅપભેગા કરી દીધા હતા.
આરોપીઓની ઓળખ રોહન વિશ્વનાથ સિંહ (28) અને અખિલેશ યાદવ (24) તરીકે થઇ હોઇ તેમને વિરારથી શુક્રવારે તાબામાં લેવાયા હતા.
આ પણ વાંચો: બોલો, લોકપ્રિય પોપ બેન્ડના સભ્યોને મળવા 3 સગીરાએ પોતાના અપહરણનું નાટક ઘડ્યું, જાણો ક્યાં બન્યો કિસ્સો?
ડેપ્યુટી પોલીસ કમિશનર જયંત બજબલે કહ્યું હતું કે 12 જણની ટોળકીમાં બંને આરોપી સામેલ હતા અને તેમણે 12 જાન્યુઆરી, 2024ના રોજ સુધીર કુંજબિહારી સિંહ (27)નું અપહરણ કર્યું હતું. સુધીર સિંહને તેઓ રિક્ષામાં ગોરાઇપાડા વિસ્તારમાં લઇ ગયા હતા, જ્યાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી.
સુધીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ આદરી હતી.
આ કેસમાં સાત આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પાંચ આરોપી ફરાર હતા. દરમિયાન પોલીસે મળેલી માહિતીને આધારે ગુનામાં સંડોવાયેલા બંને આરોપીને વિરારના ભાતપાડા વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.
(પીટીઆઇ)