
મુંબઈ: નોકરી અપાવવાની લાલચે 16 વર્ષની બે છોકરીનો વિનયભંગ અને એક મહિલા સાથે કથિત દુષ્કર્મ કરવા પ્રકરણે પોલીસે ભાજપના પ્રધાનના નિકટવર્તીની ધરપકડ કરી હતી. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી પ્રફુલ લોઢા (62) વિરુદ્ધ સાકીનાકા અને એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધવામાં આવ્યા હતા.
અંધેરીના ચકાલા પરિસરમાંથી પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવેલો લોઢા ભાજપના પ્રધાનનો નિકટવર્તી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ નોકરીની લાલચે 16 વર્ષની છોકરી અને તેની બહેનપણી સાથે કથિત શરમજનક કૃત્ય કર્યું હતું. બન્ને છોકરીને આરોપીએ પોતાના ચકાલા ખાતેના ઘરમાં બંધક બનાવી હતી, જ્યાં ટૉર્ચર કરી તેમની વાંધાજનક તસવીરો પાડવામાં આવી હતી.
નોકરીની ખાતરી આપી આરોપીએ અંધેરીમાં એક મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. બન્ને ગુના આ જ મહિને આચરવામાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે. ધરપકડ બાદ પોલીસે લોઢાની જળગાંવ, જામનેર અને પાહુરની મિલકતોમાં સર્ચ હાથ ધરી હતી. પોલીસે એક લૅપટોપ, પેનડ્રાઈવ અને અમુક ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી હતી.
આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સાકીનાકા પોલીસે પોક્સો કેસમાં ધરપકડ કરેલા આરોપીને કોર્ટે અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આરોપીને અદાલતી કસ્ટડી થતાં તાજેતરમાં એમઆઈડીસી પોલીસે તેની કસ્ટડી મેળવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)