આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ખેંચતાણ શરૂ: અજિત પવારના પચીસ નેતાઓ શરદ પવારને શરણે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ :
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો આંચકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ અને બેઠકોની વહેંચણીમાં ઓછી બેઠકો મળવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં હવે તેમના સાથીઓ તેમને છોડીને ફરી પાછા મૂળ પક્ષમાં જઈ રહ્યા છે. એનસીપીના પિંપરી-ચિંચવડ વિસ્તારના ચાર મોટા નેતાઓ સહિત પચીસ નેતાએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડી ચૂકેલા નેતાઓ શરદ પવારના જૂથ એનસીપી (એસપી)માં જોડાઈ ગયા હતા.

એનસીપીના પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવ્હાણે, પિંપરી-ચિંચવડ વિદ્યાર્થી પાંખના વડા યશ સાને, ભૂતપૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકર અને લગભગ 20 ભૂતપૂર્વ નગરસેવકો સહિત પચીસ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. બુધવારે બધા પચીસ નેતાને એનસીપી (એસપી)માં સામેલ કરી લેવામાં આવ્યા હતા.
એનસીપીના પ્રવક્તા ઉમેશ પાટીલે સ્વીકાર્યું હતું કે કોઈપણ નેતા કે કાર્યકર્તાઓ પાર્ટી છોડે છે તે એક આંચકો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મહાયુતિમાં ભોસરી વિધાનસભાની બેઠક મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં ગવ્હાણેએ રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં એનસીપીને માત્ર એક જ બેઠક રાયગઢમાં જીત મળી હતી, મહા વિકાસ આઘાડી (એમવીએ)એ 48માંથી 30 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને આંચકો આપ્યો હતો.

આ પણ વાંચો: અજિત પવારની નાવડી પણ હાલક ડોલક?

અજિત પવારની એનસીપીને માત્ર એક જ બેઠક મળી હતી જ્યારે શરદ પવારના જૂથને આઠ બેઠકો મળી હતી. આ રીતે શરદ પવારનો રાજ્યમાં હજી દબદબો હોવાનું જણાઈ રહ્યું છે અને વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારને વધુ બેઠકો મળવાની શક્યતા જોતાં આ ઊલટી ગંગા વહી રહી છે.

અજિત પવાર કેમ્પના કેટલાક નેતાઓ શરદ પવાર કેમ્પમાં પાછા જવા આતુર છે તેવી ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી. ખુદ શરદ પવારે કેટલાક વિધાનસભ્યો પાર્ટીના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો તે બધાની વચ્ચે આ રાજીનામા આવ્યાં છે.

અજિત પવાર જૂથના મોટા નેતા છગન ભુજબળ પણ શરદ પવાર સાથે હાથ મિલાવી શકે છે એવી અટકળો પણ ચાલી રહી છે. ગયા મહિને મહાવિકાસ આઘાડીના સાથી દળ શિવસેના (યુબીટી)ના વરિષ્ઠ નેતા ભુજબળને મળ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભુજબળ એ વાતથી નારાજ હતા કે અજિત પવારે બારામતી લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સુળે સામે હારનારા તેમનાં પત્ની સુનેત્રાને પાર્ટીના ક્વોટાની રાજ્યસભાની બેઠક માટે ઉમેદવાર બનાવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે પ્રભાવશાળી ઓબીસી નેતા ભુજબળ પોતે રાજ્યસભાની બેઠક અને કેન્દ્રીય પ્રધાનપદું મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button