મંગળવારે પણ Central Railway પર ટ્રેનોની મોકાણ, સતત બીજા દિવસે Signal Failure થતાં ખોરવાયો ટ્રેનવ્યવહાર..

મુંબઈઃ મંગળવારે લોકસભા ચૂંટણી-2024 (Loksabha Election Result-2024)ના પરિણામોની મતગણતરી ચાલી રહી છે ત્યાં બીજી બાજું મધ્ય રેલવે (Central Railway) પર સતત બીજા દિવસે ટ્રેનોના ધાંધિયા જોવા મળ્યા હતા. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મધ્ય રેલવે પર પરેલ ખાતે અપ ફાસ્ટ લાઈન પર સવારે 4.30 કલાકે સિગ્નલ ફેઈલ્યોર (Signal Failure At Parel) થયું હતું જેને કારણે સવારથી જ ટ્રેનોના ધાંધિયા જોવા મળ્યા હતા, જેને કારણે મુંબઈગરાને ઓફિસ પહોંચવામાં વિલંબ થયો હતો.
મધ્ય રેલવે પર સીએસએમટી અને થાણે ખાતે મૂળભૂત સુવિધાઓમાં વૃદ્ધિ કરવા માટે 31મી મેથી બીજી જૂન સુધી 99 કલાકનો બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો. આ બ્લોકને કારણે પ્રવાસીઓને હાલાકીમાંથી રાહત મળશે એવી આશા સેવાઈ રહી હતી પરંતુ અઠવાડિયાના પહેલાં જ દિવસે એટલે કે સોમવારે સિગ્નલ ફેઈલ્યોરને કારણે ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો.
અઠવાડિયાના બીજા દિવસે એટલે કે મંગળવારે પણ વહેલી સવારે પરેલ ખાતે અપ ફાસ્ટ લાઈન પર સિગ્નલ ફેઈલ્યોરને કારણે ટ્રેનો અટવાઈ હતી હતી. આ સિગ્નલ ફેઈલ્યોરને કારણે મુંબઈગરાને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. એક પછી એક ટ્રેનો લાઈનમાં ઊભી રહી જતાં પ્રવાસીઓ ટ્રેક પર ઉતરીને ચાલવા લાગ્યા હતા. આ ખામીને કારણે મધ્ય રેલવે પર ટ્રેનો આશરે 35થી 40 મિનિટ મોડી પડી હતી, એવી માહિતી રેલવે દ્વારા આપવામાં આવી હતી.
મંગળવારે મધ્ય રેલવે પર સર્જાયેલી આ ટેક્નિકલ ખામીની માહિતી મધ્ય રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આપી હતી. બીજા દિવસે પણ મધ્યરેલવે પર મંડાયેલી આ મોકાણને કારણે પ્રવાસીઓ રોષે ભરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે પણ સીએસએમટી ખાતે નવી ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી અને એની સાથે સાથે જ કોપર-દીવામાં પણ સિગ્નલ ફેઈલ્યોર થયું હતું, જેને કારણે રેલવેનું ટાઈમટેબલ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.