ગર્લફ્રન્ડને કાર નીચે કચડવાનો પ્રયાસ:
વરિષ્ઠ સરકારી અધિકારીના પુત્ર સહિત ત્રણને ધરપકડ બાદ જામીન
થાણે: ગર્લફ્રેન્ડ સાથે થયેલા વિવાદ બાદ તેને કારની અડફેટે કથિત રીતે કચડી નાખવાના પ્રયાસના કેસમાં થાણે પોલીસે વરિષ્ઠ સરકારી અધિકારીના પુત્ર સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. જોકે બાદમાં કોર્ટે ત્રણેયના જામીન મંજૂર કર્યા હતા.
થાણે નજીકના ઘોડબંદર રોડ પરની એક હોટેલ નજીક 11 ડિસેમ્બરના પરોઢિયે બનેલી ઘટનામાં કાસારવડવલી પોલીસે રવિવારે રાતે વરિષ્ઠ સરકારી અધિકારીના પુત્ર અશ્ર્વજિત ગાયકવાડ સહિત રોમિલ પાટીલ અને સાગર શેડગેની ધરપકડ કરી હતી.
આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી પ્રિયા સિંહે (26) પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘોડબંદર રોડ પરની એક હોટેલ નજીક તે ગાયકવાડને મળવા ગઈ હતી. જોકે વાતચીત દરમિયાન તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આરોપીની કારમાં મૂકેલી પોતાની વસ્તુ લેવા ગયેલી પ્રિયાને ડ્રાઈવરે કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો, એવો દાવો ફરિયાદમાં કરાયો હતો. ડ્રાઈવરે અચાનક કાર ચાલુ કરતાં પ્રિયા ગંભીર રીતે ઘવાઈ હતી.
પ્રિયાની ફરિયાદ બાદ કાસારવડવલી પોલીસે આ પ્રકરણે ગાયકવાડ, પાટીલ અને શેડગે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323, 279, 504 અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીને સોમવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ત્રણેયને અદાલતી કસ્ટડીમાં મોકલવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. આરોપીઓના વકીલ બાબા શેખે જામીન અરજી કરતાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ પી. એસ. ધુમાળે જામીન મંજૂર કર્યા હતા.
જામીન અરજી કરતી વખતે શેખે જણાવ્યું હતું કે આ કેસમાં લગાવવામાં આવેલી બધી કલમો જામીનપાત્ર છે અને તપાસ માટે તેમની કસ્ટડીની જરૂર નથી.
અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં ત્રણેય જણની ધરપકડ કરીને ઘટનામાં કથિત રીતે સંડોવાયેલાં બે વાહન મહિન્દ્રા સ્કોર્પિયો અને લૅન્ડરોવર તાબામાં લેવાયાં હતાં. (પીટીઆઈ)