
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે બોટોનિકલ ગાર્ડન ઍન્ડ ઝૂ (રાણીબાગ)માં ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈ મહાનગરપાલિકાએ મત્સ્યાલય બાંધવાની છે, જોકે તેની ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા હોઈ ટેન્ડરને તાત્કાલિક ધોરણે રદ કરવાની માગણી સમાજવાદી પાર્ટીએ કરી છે. એટલું જ નહીં પણ ટેન્ડરની મંજૂરી પ્રક્રિયાની એન્ટિ કરપ્શન બ્યૂરો પાસે તપાસ કરાવવાની માગણી પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે કરવામાં આવી છે.
તાજેતરમાં પાલિકાએ મંજૂર કરેલા પ્રસ્તાવ મુજબ રાણીબાગમાં પૅંગ્વિન કક્ષની પાસે ગુંબજ આકરનું માછલીઘર બનવાનું છે, જે ભાયખલા પ્રાણી સંગ્રહાલયના વિસ્તરણનો એક ભાગ છે. પ્રાણીબાગના વિસ્તરણની યોજના ૨૦૦૯ની સાલથી ચાલી રહી છે. આ માછલીઘરમાં વૉકિંગ ટનલ અને પોપ-અપ વિન્ડો જેવી સુવિધાનો પણ સમાવેશ થાય છે. લંબચોરસ અને ગોળાકાર ટાંકીઓ અને ટનલ એક્વોરિયમ વગેરે બનાવવામાં આવવાના છે, જેમાં જુદી જુદી પ્રજાતિની માછલીઓ મૂકવામાં આવવાની છે. આ એક્વેરિયમમાં દરિયાઈ જીવો માટે કુદરતી વાતાવરણ બનાવવા માટે કૃત્રિમ ખડકો ગોઠવવામાં આવવાના છે.
જોકે આ એક્વેરિયમ બનાવવા માટે બહાર પાડેલી ટેન્ડર પ્રક્રિયામાં ગડબડ હોવાની લેખિતમાં ફરિયાદ સમાજવાદી પાર્ટી દ્વારા મુખ્ય પ્રધાનને કરાઈ છે. પત્રમાં કરેલી ફરિયાદ મુજબ પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં ફાયરસેફટી, સાર્વજનિક જોખમનો વિચાર કરવામાં આવ્યો નથી. ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત એક જ બિડરે ભાગ લીધો હતો. તેથી ટેન્ડર પ્રક્રિયામાં નિષ્પક્ષતા અને પારદર્શકતા બદલ શંકા છે. સ્પર્ધા રોકવા માટે ટેન્ડરમાં ફેરફાર કરવામાં આવ્યો હોવો જોઈએ. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ હોવાની સાથે જ ટેન્ડરમાં બોલી લગાવનારી કંપની પાલિકાના એક વરિષ્ઠ અધિકારીની હોવાથી આ બાબત ચિંતાજનક હોવાનો દાવો પણ સમાજવાદી પાર્ટીએ કર્યો છે.
પ્રસ્તાવિત માછલીઘર પૅંગ્વિન એન્ક્લોઝરની સામે છે. અહીં દરરોજ મોટા પ્રમાણમાં લોકોની ભીડ થતી હોય છે. માછલીઘર માટે ૫,૦૦૦ સ્કેવર ફૂટનો વિસ્તાર ફાળવવામાં આવ્યો છે અને તેની સીલિંગ ઊંચાઈ ૨૦ ફૂટ કરતા પણ ઓછી છે. ઓછી જગ્યાને કારણે આગનું જોખમ, ધક્કામુક્કી તથા સુરક્ષાની સમસ્યા ઉદ્ભવી શકે છે. તેથી આ પ્રસ્તાવને રદ કરીને એન્ટિ કરપ્શન બ્યૂરો પાસે પૂરા પ્રકરણની તપાસ કરાવવાની માગણી પણ કરાઈ છે.
આ પણ વાંચો…..નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસે શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો…