ત્રિભાષી ફોર્મ્યુલા સામે રાજ-ઉદ્ધવનો સંયુક્ત વિરોધ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ત્રિભાષી ફોર્મ્યુલા સામે રાજ-ઉદ્ધવનો સંયુક્ત વિરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અલગ થયેલા પિતરાઈ ભાઈ ઉદ્ધવ અને રાજ ઠાકરે મરાઠી ભાષાના હિત માટે એક થશે અને તેમના પક્ષો ધોરણ પહેલાથી પાંચમા ધોરણમાં હિન્દી ‘લાદવા’ અને રાજ્ય સરકારની ત્રિભાષી ફોર્મ્યુલા સામે સંયુક્ત રીતે વિરોધ પ્રદર્શન કરશે.

પાંચમી જુલાઈના રોજ વિરોધ પ્રદર્શનમાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે એક જ મંચ પર જોવા મળશે.

બંને નેતાઓએ ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હિન્દી અને ત્રિભાષી ફોર્મ્યુલા લાદવાનો ઉગ્ર વિરોધ કરશે, તે જ સમયે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ ફરી રાજ ઠાકરે સાથે ગઠબંધનની વાત કરી, કોર્પોરેટરો સાથેની મુલાકાતમાં શું કહ્યું?

ઉદ્ધવે 7 જુલાઈએ આઝાદ મેદાન ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં જોડાવાની જાહેરાત કરી હતી, જ્યારે રાજે જાહેરાત કરી હતી કે તેઓ પાંચમી જુલાઈએ ગિરગામ ચોપાટીથી બિન-રાજકીય કૂચ આયોજિત કરશે અને શિવસેના (યુબીટી) સહિત તમામ રાજકીય સંગઠનોના નેતાઓને આમંત્રણ આપશે.

શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે રાજે તેમને છઠી જુલાઈના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવે તાત્કાલિક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા સંમતિ આપી હતી, પરંતુ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે 6 જુલાઈએ અષાઢી એકાદશી આવે છે અને તે દરેક માટે અસુવિધાજનક હશે.

આપણ વાંચો: રાજ ઠાકરે માટે ઉદ્ધવ કે એકનાથ શિંદે કરતાં ભાજપ વધુ સારો વિકલ્પ

રાઉતે કહ્યું કે સેના (યુબીટી)ના વડાએ પાંચમી જુલાઈએ બંને પક્ષો દ્વારા સંયુક્ત વિરોધ પ્રદર્શનનું સૂચન કર્યું હતું અને રાજે પણ તેમાં સંમતિ આપી હતી. ‘મનસે અને સેના (યુબીટી)નું સંયુક્ત વિરોધ પ્રદર્શન પાંચમી જુલાઈએ થશે. ફક્ત સમયનો મુદ્દો છે કારણ કે રાજ ઠાકરે દ્વારા સૂચવેલ સમય સવારે 10 વાગ્યાનો છે અને તે લોકો માટે અસુવિધાજનક હશે,’ એમ તેમણે ઉમેર્યું હતું કે પક્ષો સમયની ચર્ચા કરશે.

ઠાકરે પિતરાઈ ભાઈઓ વચ્ચે સંભવિત સુમેળ અંગે ચર્ચા થઈ રહી છે, અને ભાષાનો મુદ્દો તેમને સંયુક્ત મોરચો બનાવવા માટે જરૂરી પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે. રાજ્યસભાના સાંસદે કહ્યું હતું કે બંને પિતરાઈ ભાઈને લાગે છે કે 1960માં સંયુક્ત મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે થયેલા આંદોલન જેવી જ લડાઈ થવી જોઈએ અને ઠાકરે પરિવારે તેનું નેતૃત્વ કરવું જોઈએ.

આપણ વાંચો: મનસે-સેના (યુબીટી) ગઠબંધનની ચર્ચા વચ્ચે રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત

‘મુંબઈને તોડવા અને મહારાષ્ટ્રમાંથી મરાઠી માણસોને ભગાડવા માટે હવે આવા જ હુમલા થઈ રહ્યા છે,’ એમ રાઉતે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અન્ય રાજકીય પક્ષોને પણ વિરોધમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.

મનસેના મુંબઈ એકમના પ્રમુખ સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે, ‘મરાઠી માણુસ તરીકે રાજ સાહેબે મરાઠી માણસો માટે જે રીતે આગેવાની લીધી તેનાથી હું ખુશ છું અને ઉદ્ધવ સાહેબે પણ તેમના નેતૃત્વનો સ્વીકાર કર્યો છે.’

ઠાકરે ભાઈઓની કૂચને સત્તાધારી પક્ષમાંથી પહેલો ટેકો, અજિત પવારના વિધાનસભ્ય સહભાગી થશે
મુંબઈ: રાજ્યમાં ત્રિભાષી ફોર્મ્યુલા અને હિન્દીને ‘લાદવા’ના વિરોધમાં આયોજિત મોરચાને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પાર્ટીના વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરીના રૂપમાં સત્તાધારી પક્ષમાંથી પહેલો ટેકો મળ્યો છે.

‘મને લાગે છે કે જો બંને નેતાઓ સાથે આવે અને મરાઠી ભાષા અને મહારાષ્ટ્રની ઓળખના સંદર્ભમાં મોરચો (કૂચ) કાઢે છે તો તેની સારી અસર પડશે. છેવટે, મરાઠી આપણી ભાષા છે, આપણી ઓળખ છે. જો બંનેએ સાથે મળીને બિનરાજકીય કૂચ કાઢવાનો આ નિર્ણય લીધો હોય, તો હું તે નિર્ણયનું સ્વાગત કરું છું, એમ અમોલ મિટકરીએ કહ્યું હતું.

ઠાકરે ભાઈઓ પાંચ કે છ તારીખે કૂચનું આયોજન કરી રહ્યા છે. જો તે દિવસે કોઈ વિધાનસભાનું કામકાજ ન હોય, તો હું તે દિવસે કૂચમાં સહભાગી થઈશ, એમ અમોલ મિટકરીએ મરાઠી ન્યૂઝ ચેનલને કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button