માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 20 લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ

થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં એસટી બસ અને મોટરસાઇકલની ટક્કરમાં મૃત્યુ પામેલા 24 વર્ષના યુવકના પરિવારને 20.82 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને અરજીની તારીખથી રકમ જમા ન થાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોને વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.
મૃતક દત્તાત્રય ગંગારામ વાકડે તેના મિત્ર સાથે 18 ઑક્ટોબર, 2020ના રોજ મોટરસાઇકલ પર નગર-કલ્યાણ હાઇવે પરથી જઇ રહ્યો હતો. દત્તાત્રયનો મિત્ર મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો. એ સમયે એમએસઆરટીસીની બસે તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી.
બંને જણ રસ્તા પર પટકાયા હતા અને દત્તાત્રયનું ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે આ પ્રકરણે ભારતીય દંડસંહિતા અને મોટર વેહિકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ટ્રિબ્યુનલે એવું તારણ કાઢ્યું હતું કે આ અકસ્માત માત્ર બસચાલકની બેદરકારીને કારણે થયો હતો.
(પીટીઆઇ)
આ પણ વાંચો…અકસ્માતમાં જખમી માળીને 18.6 લાખ રૂપિયાનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ