જોગેશ્વરીની ટ્રોમા હોસ્પિટલમાં આઇસીયુમાં સેવા આપતી કંપની બ્લેકલિસ્ટેડ

મુંબઈ: જોગેશ્વરીમાં આવેલી હિંદૂહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ) વિભાગમાં અચાનક સેવાઓ બંધ કરવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટેડ કરી દીધા છે. હોસ્પિટલના તત્કાલીન અધિક્ષકે કંપનીની ભૂલો વિશે ઉપરી અધિકારીઓને જાણ ન કરી હોવાથી સેવા બંધ કર્યાની ચર્ચા થઈ રહી છે.
ટ્રોમા હોસ્પિટલમાં આઇસીયુમાં હાલમાં ૨૨ બેડ છે. ગોરેગાંવમાં સિદ્ધાર્થ હોસ્પિટલ બંધ થયા પછી, ૨૦૧૯માં તેના ૧૨ બેડને ટ્રોમા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૦૨૨ માં, ટ્રોમા હોસ્પિટલના આઇસીયુમાં વધારાનું ૧૦ બેડનું ઇન્ટેન્સિવ કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોડી રાત્રે ફાયરીંગ: ટ્રોમા સેન્ટર બહાર ઘટના
આ કુલ ૨૨ બેડના બંને આઇસીયુમાં સેવાઓ પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ મેક્સ કેર હોસ્પિટલ નામની કંપનીને આપવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર તરફથી સેવા પૂરી પાડવામાં બેદરકારી દાખવવામાં આવી હતી.
આ ગેરવર્તણૂક અંગે જૂન ૨૦૨૩માં કંપનીને નોટિસ પણ જારી કરવામાં આવી હતી. જોકે, તે પછી પણ, સપ્ટેમ્બરમાં કંપનીનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો હતો. માર્ચ ૨૦૨૫માં કંપનીએ અચાનક આઇસીયુમાં સેવાઓ બંધ કરી દીધી હતી. આના કારણે દર્દીઓને ઘણી તકલીફ સહન કરવી પડી હતી.
જો કે, તે સમયે કૂપર હોસ્પિટલના ડિરેક્ટરોએ તાત્કાલિક પગલાં લઇ હોસ્પિટલમાં બે સિનિયર અને ત્રણ જુનિયર ડૉક્ટરોની નિમણૂક કરી અને ૧૦ બેડનું આઇસીયુ શરૂ કર્યું હતુ. જો કે, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ૧૨ બેડનું આઇસીયુ હજુ પણ બંધ છે, એમ હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું .