આમચી મુંબઈ

નાળાસફાઈમાં પારર્દિશતા: કૉન્ટ્રેક્ટરે ૩૦ સેકેન્ડનો વીડિયો ફરજિયાત લેવો પડશે

મુંબઈ: નાળામાંથી કાદવ (ગાળ) કાઢવાની કામગીરીમાં પારદર્શિતા જાળવી રાખવા અને કૉન્ટ્રેક્ટરની જવાબદારી વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સફાઈના દરેક તબક્કે ઓછામાં ઓછો ૩૦ સેકેન્ડનો વીડિયો રેકોર્ડિંગ કરવાનો અને સાથે ફોટો કાઢવાનું ફરજિયાત બનાવ્યું છે. નાનાં નાળા માટે ગાળ કાઢવા પહેલાં અને પછી એમ બંને સમયે સીસીટીવી ફૂટેજ લેવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ રેકોર્ડિંગનું વિશ્ર્લેષણ આર્ટિફિશિય્લ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જેથી સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કામની યોગ્ય દેખરેખ રાખવી અને સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં પ્રશાસનને મદદ મળશે.

ચોમાસા પહેલાની તૈયારીના ભાગરૂપે પાલિકાએ શહેર અને ઉપનગરમાં ગાળ કાઢવાની કામગીરી હાથ ધરવા માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ૨૩ કૉન્ટ્રેક્ટોની નિમણૂક કરી છે. નાના નાળાની સફાઈ કરવાનું કામ માર્ચના છેલ્લા અઠવાડિયાથી ચાલુ કરવામાં આવ્યું હતું. જ્યારે મીઠી નદીને સાફ કરવાનું કામ આ મહિનાની શરૂઆતમાં બે તબક્કામાં ચાલુ થયું હતું. પાલિકાએ શહેરના નાળા અને મીઠી નદીમાંથી ૯.૩૪ લાખ મેટ્રિક ટન કાદવ કાઢવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધીમાં આશરે ૧.૧૧ લાખ મેટ્રિક ટન ગાળ કાઢવામાં આવ્યો છે. પાલિકા બે વર્ષ માટે ૫૪૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

પાલિકાએ આ વર્ષે સીસીટીવી રેકોર્ડિંગ્સ અને વીડિયો ડોક્યુમેન્ટેશન ફરજિયાત બનાવીને તેના નાળાસફાઈના કામમાં મોટો ફેરફાર કર્યો છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ નાળાસફાઈનાં કામ પર નજર રાખવા અને સંપૂર્ણપણે પારદર્શિતા જાળવી રાખવા માટે તમામ વીડિયો ફૂટેજનું વિશ્ર્લેષણ કરવા માટે એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરશું. કૉન્ટ્રેક્ટરોએ તમામ નાળાસફાઈના કામની પ્રક્રિયાનું ડોક્યુમેન્ટેશન ત્રણ તબક્કામાં કરવાનું રહેશે. કામ પહેલા, કામ દરમ્યાન અને કામ પૂરું થયા પછી કરવાનું રહેશે, જેમાં જીઓ ટેગ ફોટો અને વીડિયો સોફ્ટવેરમાં અપલોડ કરવાના રહેશે. વધુમાં દૈનિક સ્તરે રેકોર્ડમાં ડમ્પરની વિગતો (ખાલી અને ભરેલા) વજનકાંટાનોે ડેટા અને વાહનની મહિતી (નંબર, સમય અને સાઈટ પર ગાળ ઠાલવવા વગેરે) સામેલ હોવા જોઈએ. તમામ માહિતી માનવ હસ્તક્ષેપ વગર ઓટોમેટિકલી નોંધાશે. ડમ્પિંગ સાઈટ પર વાહનોની અવરજવર પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે.

મુંબઈમાં ૨૧૫ કિલોમીટર લાંબા મોટા નાળા, ૧૫૬ કિલોમીટરના નાના નાળા અને ૨૨.૨૫ કિલોમીટર લંબાઈની મીઠી નદી છે. પાલિકાની ગાઈડલાઈન મુજબ દર વર્ષે ત્રણ તબક્કામાં નાળા સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં ૮૦ ટકા ગાળ મે મહિનાના અંત સુધીમાં સાફ કરવામાં આવે છે. લગભગ ૧૦ ટકા ચોમાસા દરમ્યાન અન બાકીનો ૧૦ ટકા ચોમાસું પૂરું થયા પછી કરવામાં આવે છે.

નાગરિકોને નાળાસફાઈના કામની તમામ વિગતો મળી રહે તે માટે પાલિકાએ https://swd.mcgm.gov.in/wms202 પર ફોટો અને વીડિયો ઉપલબ્ધ કરાવ્યા છે, જેનાથી રહેવાસીઓ તેમના વિસ્તારના નાળાની સફાઈના કામ પર નજર રાખી શકશે.

થાણેમાં નાળાસફાઈ માટે ૩૧ મેની ડેડલાઈન
થાણે મહાનગરપાલિકા દ્વારા સોમવાર ૨૧ એપ્રિલ,૨૦૨૫થી નાળાસફાઈના કામની શરૂઆત થઈ હતી અને કામ પૂરું કરવાની ડેડલાઈન ૩૧ મે,૨૦૨૫ની છે. પહેલા તબક્કામાં પાંચ વોર્ડમાં નાળાસફાઈના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. બીજા તબક્કાનું કામ ૨૫ એપ્રિલથી ચાલુ થશે. થાણેમાં નવ વોર્ડમાં નાના મોટા કુલ ૨૭૮ કિલોમીટર લંબાઈના નાળા આવેલા છે.

આ પણ વાંચો… વરસાદમાં પાણીનાં ઝડપી નિકાલ માટે સુધરાઈ વધુ પંપ બેસાડશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button