કલ્યાણમાં પેન્ટોગ્રાફમાં ખામી સર્જાતા ટ્રેનસેવા ખોરવાઈ, પ્રવાસીઓ પરેશાન

મુંબઈઃ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનની રફતારમાં દિવસે દિવસે ટેક્નિકલ સમસ્યામાં વધારાને કારણે ટ્રેનસેવા પર અસર થવાનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવાર હોય કે નોન-પીક અવર્સમાં ટ્રેનસેવા ખોટકાતા પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી વધી રહી છે. મધ્ય રેલવેમાં કલ્યાણ રેલવે સ્ટેશન નજીક પેન્ટોગ્રાફમાં ખામી સર્જાતા અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનની લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી.
મધ્ય રેલવેમાં કલ્યાણ રેલવે સ્ટેશન નજીક ખાલી રેકના પેન્ટોગ્રાફમાં ખામી સર્જાતા ટ્રેનસેવા પર અસર પડી હતી. બપોરના 12.30 વાગ્યાના સુમારે કલ્યાણ રેલવે સ્ટેશન નજીક પેન્ટોગ્રાફમાં ખામી સર્જાતા ટ્રેનસેવાને રોકવાની નોબત આવી હતી, પરિણામે ફાસ્ટ લાઈનની લોકલ ટ્રેનોને સ્લો ટ્રેક પર ડાઈવર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ લોકલ ટ્રેનની સર્વિસીસ અડધો કલાક મોડી દોડતા ભર બપોરે ટ્રેનની રાહ જોવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી.
કલ્યાણથી સીએસએમટીની લોકલ ટ્રેનોને સ્લો ટ્રેક પર ડાઈવર્ટ કરવામાં આવતા ડોંબિવલીમાં સૌથી વધુ પ્રવાસીઓને હાલાકી પડી હતી. રોજેરોજ પ્લેટફોર્મ ચેન્જ કરવામાં પ્રવાસીઓને હાલાકી પડે છે. છેલ્લી ઘડીએ સિનિયર સિટિઝન સહિત વિકંલાગ લોકોને પણ દોડાદોડી કરવાની નોબત આવે છે. બુધવારે પણ આ જ પ્રકારે ફાસ્ટ ટ્રેનને સ્લો લાઈન (ત્રણ નંબર)ના પ્લેટફોર્મ પર ડાઈવર્ટ કરતા પ્રવાસીઓને દોડાદોડી કરવી પડી હતી, એમ ડોંબિવલીના રહેવાસીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: કલ્યાણમાં શ્રીકાંત શિંદેની જીત માટે મોકળુ મેદાન?
રોજ ટ્રેનની સર્વિસ પર અસર પડે છે, જેમાં સૌથી પહેલા પંદર કોચની સાથે એસી ટ્રેનને બંધ કરાય છે. ઉનાળાના દિવસોમાં એસી ટ્રેનને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવે છે. રેલવે ફક્ત એનાઉન્સમેન્ટ કરીને હાથ ઊંચા કરી લે છે, પરંતુ દિવસની પચીસ ટકા એસી ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ હોતી નથી. તો પછી એસી લોકલ બંધ કરવી જોઈએ, એમ કલ્યાણના રહેવાસી સુશીલ પાંડેએ જણાવ્યું હતું.
આ મુદ્દે મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ગુરુવારે બપોરે 12.30 વાગ્યાના સુમારે ખાલી ટ્રેનની રેકના પેન્ટોગ્રાફમાં ખામી સર્જાઈ હતી, ત્યારબાદ કલ્યાણથી સીએસએમટીની ફાસ્ટ ટ્રેનોને સ્લો ટ્રેક પર ડાઈવર્ટ કરવામાં આવી હતી, જ્યારે અમુક એસી ટ્રેનને રદ કરી હતી.