મુંબઈમાં ટ્રેનોના ધાંધિયા: પીક અવર્સમાં પ્રવાસીઓ થયા હેરાન
મુંબઈ: મધ્ય રેલવેમાં હંમેશાં ટ્રેનના ધાંધિયા રહેતા હોય છે જેને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. શનિવારે પણ મધ્ય રેલવેના હાર્બર લાઇનમાં માનખુર્દ અને વાશી સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયરમાં ખામી સર્જાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો જેને કારણે ભીડના સમયે જ પ્રવાસીઓ હેરાન થઇ ગયા હતા.
મેજર બ્લોકને લીધી પશ્ચિમ રેલવેની ટ્રેનો પણ આખો દિવસ મોડી દોડી હતી.
વાશી જતી ડાઉન લાઇનમાં સવારે ૭.૩૦ કલાકે ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો અને બે કલાક સુધી ટ્રેન સેવા સંપૂર્ણ રીતે બંધ રહી હતી.
સવારે ૯.૩૦ કલાક સુધી સમારકામ ચાલ્યું હતું અને ત્યાર બાદ ટ્રેનો શરૂ થઇ હતી, એમ મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.
સમારકામ પૂર્ણ થયા બાદ પણ ટ્રેનો અડધો કલાક સુધી મોડી દોડી રહી હતી એમ એક પ્રવાસીએ જણાવ્યું હતું.
વાશી એ નવી મુંબઈનું સ્ટેશન છે અને માનખુર્દ મુંબઈમાં આવેલું છે. આ બન્ને સ્ટેશનને ખાડી પર બનાવવામાં આવેલા રેલવે બ્રિજ દ્વારા જોડવામાં આવ્યા છે.
માનખુર્દ અને વાશી વચ્ચે ઓવરહેડ વાયર તૂટી પડવાને કારણે ટ્રેન વ્યવહાર ઠપ્પ થયો છે. સવારે ૯.૩૦ કલાક સુધી સમારકામ પૂર્ણ કરાયું હતું.
આ સમય દરમિયાન પ્રવાસીઓને એજ ટિકિટ પર ટ્રાન્સહાર્બર લાઇનની ટ્રેનો દ્વારા સફર કરવાની છૂટ આપવામાં આવી હતી, એમ મધ્ય રેલવેના ડિવિઝનલ મેનેજર રજનિસ ગોયલે ‘એક્સ’ પર પોસ્ટ કરી જણાવ્યું હતું.