કોસ્ટલ રોડ પર કાર્યવાહી કરવા જતાં જીવ ખોયો…
ટેમ્પોનો પીછો કરનારો ટ્રાફિક વૉર્ડન સ્કૂટર પરથી ઊછળીને દરિયામાં પડ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નિયમોનો ભંગ કરનારા ટેમ્પોનો પીછો કરવા જતાં અકસ્માતનો ભોગ બનેલો ટ્રાફિક વૉર્ડન સ્કૂટર પરથી ઊછળીને સીધો દરિયામાં પડ્યો હતો. દક્ષિણ મુંબઈના કોસ્ટલ રોડ પર શનિવારે સાંજે બનેલી આ ઘટનામાં ટ્રાફિક વૉર્ડનનું મૃત્યુ થયું હતું. ગામદેવી પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ કોસ્ટલ રોડ પર ફરજ પર હાજર ટ્રાફિક વૉર્ડન રફીક વઝીર શેખ (38)ની નજર પ્રતિબંધ છતાં કોસ્ટલ રોડનો ઉપયોગ કરનારા ટેમ્પો ડ્રાઈવર પર પડી હતી. ટેમ્પો ટાટા ગાર્ડનથી વરલી તરફ જઈ રહ્યો હતો. કોસ્ટલ રોડ પર ભારે વાહનોને પ્રતિબંધ હોવાથી શેખે ટેમ્પો રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે ટેમ્પો રોકવાને બદલે પૂરપાટ વેગે દોડાવ્યો હતો. પરિણામે ટેમ્પો ડ્રાઈવરને પકડી પાડવા શેખે સ્કૂટર પર ટેમ્પોનો પીછો કરવા માંડ્યો હતો.
થોડા અંતર સુધી ટેમ્પોનો પીછો કર્યા પછી એક વળાંક પાસે શેખનું સ્કૂટર સ્કિડ થયું હતું એને કોન્ક્રીટની રેલિંગ સાથે ભટકાયું હતું. રેલિંગ સાથે સ્કૂટર એટલા જોરથી ટકરાયું હતું કે શેખ ઊછળીને સીધો દરિયામાં પડ્યો હતો. કોસ્ટલ રોડ નજીકથી પસાર થનારી એક વ્યક્તિએ આ બાબતે કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. શેખને દરિયાના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બેભાન અવસ્થામાં નાયર હૉસ્પિટલ લઈ જવાયેલા શેખને તબીબે મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શેખે જે સ્થળે ટર્ન લીધો ત્યાં રસ્તા પર પડેલી રેતીને કારણે તેનું સ્કૂટર સ્કિડ થયું હતું. ગામદેવી પોલીસે આ પ્રકરણે એડીઆર નોંધ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ શેખના મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો. શેખે જે ટેમ્પોનો પીછો કર્યો હતો તેની માહિતી મેળવવા માટે પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ટેમ્પો ડ્રાઈવરને પણ દંડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો : ભાંડુપ વેસ્ટમાં ગુસ્સે ભરાયેલા સગીરે બેસ્ટની બસ પર તલવાર વડે હુમલો કર્યો