પ્રતિબંધ હોવા છતાં ઘોડબંદર રોડ પર ભારે વાહનોની અવરજવરઃ વાહનચાલકોને હેરાનગતિ

મુંબઈઃ મુંબઈમાં શુક્ર-શનિવારે રેલવેમાં મેગાબ્લોક લેવાયો હોવાથી પ્રવાસીઓ માટે હાડમારીનો પર નહોતો. અધૂરામાં પૂરું થાણે અને મુંબઈ અમદાવાદને જોડતા ઘોડબંદર રોડનું સમારકામ કામ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે. આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં ભારે વાહનોની અવરજવર બેફામ રીતે શરૂ થઈ ગઈ છે. તેની અસર અહીંની ટ્રાફિક વ્યવસ્થા પર પડી છે.
વાહનચાલકોને માત્ર એક કિલોમીટરનું અંતર કાપવામાં બે કે તેથી વધુ કલાક લાગી રહ્યા છે. જેના કારણે વાહનચાલકો રોષ વ્યકત કરી રહ્યા છે. પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોને કેવી રીતે પ્રવેશ આપવામાં આવે છે તેવો પ્રશ્ન વાહનચાલકો કરી રહ્યા છે.
આ પણ વાંચો: જાણી લેજો! આજથી 6 જૂન સુધી ‘આ’ વાહનો માટે ઘોડબંદર રોડ પર નો એન્ટ્રી!
ઘોડબંદર રોડ પર ચોમાસા દરમિયાન ખાડા પડી જાય છે. આથી અહીંના ઘાટ રોડની હંગામી મરામતની કામગીરી જાહેર બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઘોડબંદર માર્ગ થાણે તેમજ મુંબઈ-અમદાવાદ માર્ગને જોડે છે.
ઉરણમાં જેએનપીટીથી હજારો ભારે વાહનો ઘોડબંદર થઈને વસઈ અથવા ગુજરાત તરફ આગળ જતા હોય છે રાજ્ય પરિવહન બોર્ડની બસો, મ્યુનિસિપલ પરિવહન વિભાગની બસો અને હળવા વાહનો આ માર્ગનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. અહી રીપેરીંગની કામગીરીના કારણે વાહનચાલકોને રોજેરોજ હાલાકીનો સામનો કરવો પડે છે.
આજે ગાયમુખ ઘાટથી ચેના બ્રિજ વિસ્તાર સુધી ઘોડબંદર માર્ગ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. એક જગ્યાએથી વાહનો જાણે સ્થિર થઇ ગયા હોય તેવી પરિસ્થિતિમાં, ગરમીમાં વાહનચાલકો અને પ્રવાસીઓન હેરાન-પરેશાન થઇ ગયા હતા.