ટૉરેસ સ્કૅમ: ભાગેડુ આરોપીઓએ ભારત બાદ બલ્ગેરિયામાં ઇન્વેસ્ટમેન્ટની ફ્રોડ સ્કીમ્સ શરૂ કરી
ભૂતપૂર્વ જીએમ હિતેશ મહેતાની કેફિયત કેટલી સાચી કેટલી ખોટી? આર્થિક ગુના શાખા મહેતા પર લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવાની ફિરાકમાં

મુંબઈ: ટૉરેસ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ દ્વારા ભારતમાં હજારો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ આચર્યા બાદ મુખ્ય આરોપીઓ હવે બલ્ગેરિયામાં આવી જ સ્કીમ્સ ચલાવી રહ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
આર્થિક ગુના શાખાને માહિતી મળી હતી કે મુંબઈ, નવી મુંબઈ અને મીરા-ભાયંદરના રોકાણકારો સાથે છેતરપિંડી આચર્યા બાદ હવે ભાગેડુ આરોપીઓએ તેમનું રેકેટ ચાલુ રાખવા માટે બલ્ગેરિયામાં અલગ-અલગ નામથી નવા શૉરૂમ ખોલ્યા છે. પોલીસ હાલ આ માહિતીની ચકાસણી કરી રહી છે અને બાદમાં જરૂરી પગલાં લેવામાં આવશે.
અત્યાર સુધીમાં 12,782 રોકાણકારોએ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના શાખનો સંપર્ક કર્યો છે અને છેતરપિંડીનો આંકડો 130 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.
આ પણ વાંચો…ફડણવીસે શિંદે સેનાના 20 વિધાન સભ્યની Y શ્રેણીની સુરક્ષા રદ કરી…
ટૉરેસ સ્કૅમની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાએ અત્યાર સુધી 35 કરોડ રૂપિયાની મતા જપ્ત કરી છે. ઉપરાંત ટૉરેસ કંપની સાથે સંબંધિત ફર્નિચર, ઇલેક્ટ્રિકલ ઉપકરણો, સાતથી આઠ લક્ઝરી વાહનોની લિલામી કરવા માટે એમપીઆઇડી કોર્ટ પાસે પરવાનગી માગવામાં આવી છે. ટૉરેસ સ્કૅમના આરોપીઓએ જયપુર ખાતેની કંપની પાસેથી કીમતી રત્નો ખરીદ્યાં હતાં. એ કંપની દ્વારા રત્નો પાછાં લઇને પૈસા આપવાની તૈયારી દર્શાવી છે. આશરે દોઢ કરોડ રૂપિયાની કિંમતનાં એ રત્નોનું ફરી વેચાણ કરવા બાબતે પણ પોલીસે કોર્ટ પાસેથી પરવાનગી માગી છે.