આવતી કાલે રેલવેના આ માર્ગ પર 2023નો છેલ્લો Mega Block

મુંબઈ: રવિવારે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે. નવા વર્ષની ઉજવણી માટે શહેરમાં પ્રવવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ રવિવારે રેલવે માર્ગ પર લેવામાં આવતા બ્લોકને (Mega Block) રદ કરવાનો નિર્ણય લીધો છે. પણ મધ્ય રેલવે દ્વારા માટુંગાથી મુલુંડ અને હાર્બર લાઇન પર પનવેલથી વાશી દરમિયાન રવિવારે બ્લોક લેવામાં આવવાનો છે.
રવિવારે મધ્ય રેલવેમાં હાથ ધરવામાં આવેલા બ્લોકને લીધે આ માર્ગ પરની અનેક લોકલ ટ્રેનોની સેવાને અસર થશે. રવિવારે પશ્ચિમ રેલવે દ્વારા બ્લોક હાથ ધરવામાં આવવાનો નથી પણ શનિવારે રાતે આ માર્ગ પર વસઇ રોડથી વૈતરણા વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનમાં બ્લોકની જાહેરાત કરી હતી.
મધ્ય રેલવેના માટુંગાથી મુલુંડના અપ અને ડાઉન માર્ગ પર સવારે 11.05થી બપોરે 3.55 સુધી બ્લૉક હાથ ધરવામાં આવવાનો છે. આ દરમિયાન અનેક લોકલ ટ્રેનોને રદ કરવામાં આવશે અને આ બ્લોક દરમિયાન ડાઉન માર્ગની દરેક ફાસ્ટ ટ્રેનોને માટુંગાથી મુલુંડ દરમિયાન સ્લો લાઇનમાં દોડાવવામાં આવશે અને થાણે પછી તેને ફરી ફાસ્ટ લાઇનમાં ડાઇવર્ટ કરવામાં આવશે. આ સાથે અપ માર્ગમાં પણ ફાસ્ટ ટ્રેનને મુલુંડથી માટુંગા સુધી સ્લો લાઇનમાં દોડાવવામાં આવશે. આ બ્લોકને લીધે ટ્રેનો 15-20 મિનિટ મોડી પડે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.
હાર્બર લાઇનમાં પનવેલથી વાશી દરમિયાન સવારે 11.05થી બપોરે 4.05 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવવાનો છે. અપ અને ડાઉન માર્ગના આ બ્લોક દરમિયાન મુંબઈ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ, થાણેથી વાશી/નેરૂળ અને થાણેથી પનવેલ દરમિયાનની લોકલને રદ કરવામાં આવી છે. આ દરમિયાન સીએસએમટીથી વાશી વચ્ચે ખાસ લોકલને દોડાવવામાં આવશે અને બેલાપુર/નેરૂળ-ખારકોપર દરમિયાનની લોકલ સેવાઓ પણ પૂર્ણ પણે બંધ રાખવામા આવશે.