આવતીકાલે ઘરથી બહાર નીકળવાનું વિચારો છો? તો પહેલાં આ વાંચી લો નહીંતર…
મુંબઈઃ દર રવિવારની જેમ જ આવતીકાલે પણ સિગ્નલ, ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્વના ટેક્નિકલ કામ હાથ ધરાવવાના હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક લેવાની જાહેરાત (Railway Announce Mega Block On Sunday,14th July) કરવામાં આવી છે. મધ્ય રેલવે પર તેમ જ હાર્બર લાઈન પર આવતીકાલે બ્લોક હાથ ધરવામાં આવશે, જ્યારે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હાલાકીમાંથી રાહત મળશે, કારણ કે પશ્ચિમ રેલવે દ્વારા આજે રાતે નાઈટ બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ આવતીકાલે બહાર જવાનું પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર પહેલાં વાંચી લો, જેથી હાલાકીમાંથી બચી જશો.
મધ્ય રેલવે પર થાણે-દિવા વચ્ચે સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી પાંચમી છઠ્ઠી લાઈન (Mega Block Between Thane-Diva On 5th-6th line) પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન કલ્યાણ-થાણે વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનો અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત સ્ટોપેજ સિવાય દિવા, મુંબ્રા અને કલવા સ્ટેશન પર હોલ્ટ લેશે.
વાત કરીએ હાર્બર લાઈનની તો હાર્બર લાઈન પર કુર્લા-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન (Block On Kurla-Vashi- Up Down Line) પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટીથી બેલાપુર, વાશી, પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી કુર્લા અને વાશી પનવેલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ઉપરાંત મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓને મેઈન લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી પણ આપી છે.
પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને આવતીકાલે ડે બ્લોકમાંથી રાહત મળશે. પશ્ચિમ રેલવે પર શનિવાર અને રવિવારની મધરાતે 12.15 કલાકથી વહેલી સવારે 4.15 કલાક સુધી મુંબઈ સેન્ટ્રલ-માહિમ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ ચર્ચગેટ-સાંતાક્રુઝ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.