બીકેસીના ટ્રાફિકને પહોંચી વળવા સાઈકલ ટ્રેકને રસ્તામાં ભેળવી દેવાશે, વન-વૅ સિસ્ટમ લવાશે

મુંબઈ: બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)માં રહેલી ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ ડિટેઈલ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો છે, જે હેઠળ સાઈકલ ટ્રેકનું ટ્રાફિક લેનમાં રૂપાંતર કરીને રસ્તા પહોળા કરવામાં આવશેે. એ સાથે જ વન-વે સિસ્ટમ હેઠળ પીક-અવર્સમાં અમુક રસ્તાઓને વન વે કરવામાં આવશે.
લગભગ ૩૭૦ હેકટરમાં ફેલાયેલા અને મહત્ત્વના કમર્શિયલ અને ફાઈનાન્શિયલ હબ ગણાતા બીકેસીમાં દરરોજ બે લાખ કર્મચારી અને ચાર લાખ વિઝિટરોની આવ-જાવ હોય છે, તેને કારણે દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. સાયન બ્રિજ બંધ થવાને કારણે મોટાભાગનો ટ્રાફિક બીકેસી તરફ ડાઈવર્ટ થયો છે. બીકેસીના રસ્તાઓ નાનાં વાહનો માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો પણ હવે અહીંથી ટ્રક અને અન્ય ભારે માલવાહકો પસાર થઈ રહ્યા છે, તેને કારણે ટ્રાફિક જૅમની સ્થિતિ વધુ ગંભીર બની છે.
તાજેતરમાં એમએમઆરડીએની થયેલી બેઠકમાં ડિટેઈલ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં મુંબઈ ટ્રાફિક પોલીસ સાથે મળીને એમએમઆરડીએ તાત્કાલિક ધોરણે અમલમાં આવે તે પ્રકારની તથા લાંબા ગાળાની યોજના અમલમાં મૂકવાની છે. બીકેસીમાં ખાસ કરીને કલાનગર જંકશનથી ભારત ડાયમંડ બુર્સ સુધી ફેલાયેલા બાન્દ્રા-કુર્લા લિંક રોડ પર ભારે ટ્રાફિક રહેતો હોય છે.
એમએમઆરડીએના જણાવ્યા મુજબ બીકેસીમાં અનેક જગ્યાએ બનાવેલા સાઈકલ ટ્રેક જેનો ખાસ ઉપયોગ થતો નથી તેને હવે રોડમાં ફેરવી નાખવામાં આવશે. તે માટે સ્ટ્રીટલાઈન, સાઈનબોર્ડ, ઝાડ, બસ સ્ટોપ સાથે જોડાયેલી વસ્તુઓને ફૂટપાથની તરફ સ્થળાંંતર કરવામાં આવશે જેથી રસ્તાની પહોળાઈ વધશે અને લેનની ક્ષમતા ટૂ+ટૂથી વધીને થ્રી+થ્રીની થઈ જશે અને પ્રતિ લેન ૬૦૦થી ૯૦૦ વધારાના વાહનો પસાર થશે. પીક-અવર્સમાં પ્રવાસનો સમય પચીસ મિનિટથી ઘટીને ૧૫ મિનિટ થવાની શક્યતા છે.
બીકેસીમાં આંતરિક વેહીક્યુલર મુવમેન્ટ અને રોડ પર વાહનોના તથા કંજશનને ઘટાવા માટે અત્યંત વ્યસ્ત રહેતા રસ્તો માટે વન-વે ટ્રાફિક સિસ્ટમ અમલમાં મુકાશે. જે હેઠળ ટ્રાફિકના ફ્લો કેવો છે તે પ્રમાણે પીક-અવર્સમાં રસ્તાઓને વન-વે કરવામાં આવશે.
આ પણ વાંચો…..કાંદિવલી ઇન્ડસ્ટ્રિલ એસ્ટેટમાં ભીષણ આગ: જાનહાનિ નહીં…