ટિટવાલા-કસારા વચ્ચે બ્લોકઃ આવતીકાલે આટલા વાગ્યે CSMTથી છુટશે છેલ્લી લોકલ..
મુંબઈઃ પશ્ચિમ રેલવે પર તો ચાલી રહેલાં બ્લોકને કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી જ રહ્યા છે, પણ હવે મધ્ય રેલવેના પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે એવા સમાચાર મળી રહ્યા છે.
શનિવાર અને રવિવારે મધ્ય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આ સ્પેશિયલ પાવર અને ટ્રાફિક બ્લોકને કારણે પાંચ લોકલ રદ કરવામાં આવશે, જ્યારે મેલ-એક્સપ્રેસના ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી મધ્ય રેલવે દ્વારા આપવામાં આવી છે. પરિણામે મોડી રાતે પ્રવાસ કરનારા પ્રવાસીઓને હાલાકી પડશે.
મધ્ય રેલવે પર ટિટવાલા-કસારા વચ્ચે અપ-ડાઉન લાઈન પર ફૂટઓવર બ્રિજ ઊભો કરવા માટે ગર્ડર લોન્ચ કરવામાં આવશે. પરિણામે શનિવારે અને રવિવારે મધ્ય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પાંચ લોકલ ટ્રેન રદ કરવામાં આવશે.
શનિવારે સીએસએમટીથી છુટનારી છેલ્લી લોકલ રાતે 9.30 કલાકે રવાના કરવામાં આવશે અને રાતની કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવશે. ટિટવાલા-કસારા વચ્ચે શનિવારે રાતે 12.30 કલાકથી રવિવારે સવારે 5.30 કલાક દરમિયાન આ બ્લોક લેવામાં આવશે, એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
આ બ્લોકને કારણે શનિવારે અને રવિવારે રદ કરવામાં આવેલી ટ્રેનો નીચે પ્રમાણે છે-
શનિવારઃ
સીએસએમટી-કસારાઃ રાતે 10.50 કલાક, અને 12.15 કલાક
રવિવારઃ
કલ્યાણ-આસનગાંવઃ સવારે 5.28 કલાક
કસારા-સીએસએમટીઃ સવારે 3.51 કલાક અને 4.59 કલાક
શનિવારે રાતે રવાના થનારી છેલ્લી લોકલની યાદી આ પ્રમાણે છે-
સીએસએમટી-કસારા-9.32 કલાક, કલ્યાણ-કસારા રાતે 11.03 કલાક, કસારા-કલ્યાણ રાતે 10 કલાકના રવાના કરવામાં આવશે. જ્યારે રવિવારે કલ્યાણ-કસારા ટ્રેન 5.48 કલાકે અને કસારા-કલ્યાણ-6.10 કલાકે દોડાવવામાં આવશે.
બ્લોક કેમ લેવાશે?
એમઆરવીસી દ્વારા કસારા ફૂટઓવર બ્રિજ પુલ માટે એન આકારના ગર્ડર લોન્ચ કરવા માટે ઉંબરમાળીથી કસારા વચ્ચે બે ઠેકાણે પુલના ગર્ડર લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત આસગાંવથી આટગાંવ વચ્ચે રેલવે ફાટક પર ઊભા કરવામાં આવનાર પુલના ગર્ડર, ખડવલી-વાશિંદ વચ્ચે સિગ્નલ સંબંધિત કામ હાથ ધરાવવાના હોઈ આ બ્લોક હાથ ધરવામાં આવશે.
મેલ એક્સપ્રેસ ટ્રેન પર પણ થશે અસર…
આ સ્પેશિયલ પાવર અને ટ્રાફિકના બ્લોકને કારણે મેલ એક્સપ્રેસ ટ્રેનો પર પણ એની અસર જોવા મળશે. આ બ્લોકને કારણે ગોંદિયા-સીએસએમટી વિદર્ભ એક્સપ્રેસ ટ્રેન ગોંદિયાથી ત્રણ કલાક મોડી દોડાવવામાં આવશે. અમરાવતી, દેવગિરી, મંગલા, પંજાબમેલ, નાગપુર દુરંતો, પાટલીપુત્ર, અમૃતસર, હાતિયા, મહાનગરી, કુશીનગર, શાલીમાર, હાવડા, નંદીગ્રામ, છાપરા અને બલિયા એક્સપ્રેસ વિવિધ રેલવે સ્ટેશન પર ઊભી રાખવામાં આવશે અને એને કારણે ટ્રેન પર અસર જોવા મળશે.