થાણેમાં રોંગ સાઈડ દોડતા વાહનોને રોકવા ‘ટાયર કિલર’નો પ્રયોગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે શહેરમાં દિવસે ને દિવસે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ટ્રાફિક વધવાની સાથે જ રસ્તા પર વિરુદ્ધ દિશામાં દોડતા વાહનોને કારણે થતા ઍક્સિડન્ટને રોકવા માટે થાણેમાં રસ્તા પર પ્રાયોગિક ધોરણે ‘ટાયર કિલર’ બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થાણે મહાનગરપાલિકા દ્વારા બહુ જલદી રસ્તાઓ પર ‘ટાયર કિલર’ બેસાડવાનું ચાલુ કરવામાં આવવાનું છે.
ઘોડબંદર રોડ પર છેલ્લા અનેક મહિનાઓથી રહેતી ટ્રાફિક જેમની સમસ્યાને લઈને તાજેતરમાં થાણે પાલિકાએ જુદી જુદી એજન્સીઓ સાથે બેઠકો કરીને અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે. આ ઉપાયયોજનાને કારણે છેલ્લા એક પખવાડિયામાં ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત મળી હોવાનો દાવો થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે શુક્રવારે થાણે પાલિકા, થાણે પોલીસ, થાણે ટ્રાફિક,સાર્વજનિક બાંધકામ વિભાગ, મેટ્રોના અધિકારી સહિત ઘોડબંદર રોડના નોડલ ઓફિસર સાથે યોજેલી બેઠક દરમિયાન કર્યો હતો.
થાણે પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે ઘોડબંદર રોડના ટ્રાફિકમાં થોડી રાહત થઈ છે, પરંતુ ગાયમુખ ઘાટ, ભાયંદર પાડાથી ગાયમુખ જેવા પટ્ટામાં હજી ટ્રાફિકની સમસ્યા છે, તેના પર કામ ચાલી રહ્યું છે. ગાયમુખ પટ્ટામાં દોઢસોથી બસો ટન વજનનાં વાહનો પસાર થતા હોવાથી રસ્તા ખરાબ થઈ ગયા હોવાથી સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા અહીં રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે. તેમ જ હવે આ રસ્તો મીરા-ભાયંદર મહાનગરપાલિકાને હસ્તાંતર કરવામાં આવ્યો છે, તેથી હવે તેમની જવાબદારી રહેશે.
આ દરમિયાન થાણે શહેરમાં વધી રહેલા ટ્રાફિક અને રોડ ઍક્સિડન્ટના વધતા બનાવ બાબતે કમિશનરે કહ્યું હતું કે થાણેમાં અમુક રસ્તાઓ પર પ્રાયોગિક ધોરણે ‘ટાયર કિલર’ બેસાડવામાં આવવાના છે. જોકે તે પહેલા જે-તે વિસ્તારોમાં તે બાબતે નાગરિકોને સવિસ્તર માહિતી આપવામાં આવશે. રસ્તા પર આ પ્રકારના ‘ટાયર કિલર’ બેસાડવામાં આવ્યા છે, તેની માહિતી આપતા બોર્ડ ૧૦૦થી ૨૦૦ મીટર પહેલા લગાડવામાં આવશે. તેમ જ આ વિસ્તારમાં રાતના સમયમાં પૂરતો પ્રકાશ રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમ સીસીટીવી કેમેરાના ક્ષેત્રમાં તે વિસ્તાર આવતો હોવાની પણ તકેદારી લેવામાં આવશે અને ત્યારબાદ જ ‘ટાયર કિલર’ બેસાડવામાં આવશે, તેને કારણે વિરુદ્ધ દિશામાંથી આવતાં વાહનોને રોકી શકાશે.