મહારાષ્ટ્રમાં ત્રીજા મોરચાની તૈયારીઃ આ નેતાએ ભાજપ-કોંગ્રેસને ઉખાડી ફેંકવાની કરી વાત…
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) નજીક આવી રહી છે ત્યારે મહાવિકાસ આઘાડી અને મહાયુતિ ઉપરાંત ત્રીજો મોરચો પણ તૈયાર થાય તેવી શક્યતા જણાઇ રહી છે. ત્રીજા મોરચામાં સંભાજીરાજે છત્રપતિ, ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટી અને વિધાનસભ્ય બચ્ચુ કડુ સહિત અન્ય નેતાઓ પણ સહભાગી થાય તેવી શક્યતા છે.
હાલમાં જ બચ્ચુ કડુએ કૉંગ્રેસ અને ભાજપ વિરુદ્ધ આપેલા નિવેદનના પગલે ત્રીજો મોરચો તૈયાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બચ્ચુ કડુએ કૉંગ્રેસ અને ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને ભાજપે લૂંટનારી વ્યવસ્થા ઊભી કરી છે. ભાજપ અને કૉંગ્રેસને ઊખાડીને ફેંકી દેવાના દિવસ આવી ગયા છે.
આપણ વાંચો: લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનના પડઘા મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પડ્યા, સત્ર મોકૂફ
તેમણે ખેડૂતો વિશે વાત કરતા જણાવ્યું હતું કે ખેડૂતો અને ખેત મજૂરોની લડાઇ છેલ્લાં 75 વર્ષોથી ચાલી આવી રહી છે. હજી પણ ખેડૂતો અને ખેડૂતોના બાળકોને માન-સન્માન નથી મળતી. હજી પણ તેમણે આત્મહત્યા કરવાનો વખત આવે છે. તેના કારણે બદલાની ભાવના નિર્માણ થઇ રહી છે.
હવેની ચૂંટણી બદલો લેનારી હશે. જેમણે ધર્મ અને જાત પૂછેને અમારા મત લીધા છે તેમને તેમનું સ્થાન દેખાડ્યા સિવાય હવે નહીં રહેવાય. કાંદાના કારણે અમને જેમણે રડાવ્યા છે પછી તે કૉંગ્રેસ હોય કે ભાજપ તેમને તેમનું સ્થાન દેખાડાશે.
છેલ્લાં 75 વર્ષમાં ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષે જ રાજ કર્યું છે. બંનેએ જ આપણા આંખોમાં આંસુ લાવ્યા છે. ખેડૂતો દિવસની રાત અને રાતની દિવસ કરે છે, મહેનત કરે છે, દુ:ખ સહે છે. ગરમી, વરસાદની પરવાહ કર્યા વિના ખેતરમાં જઇને પાક વાવે છે, પરંતુ કૉંગ્રેસ અને ભાજપે લૂંટનારી વ્યવસ્થા ઊભી કરી અને તેમને હવે ઊખાડીને ફેંકવાના દિવસો આવી ગયા છે.