બાઈક વીજળીના થાંભલા સાથે ભટકાતાં ત્રણ યુવાનનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ પૂર્વના આરે રોડ પર સગીરે એસયુવી ચલાવી બાઈકસવારને કચડવાની ઘટના તાજી જ છે ત્યાં આરે કોલોનીમાં બાઈક વીજળીના થાંભલા સાથે ભટકાતાં ત્રણ યુવાને જીવ ગુમાવ્યા હોવાની ઘટના બની હતી.
આરે પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારની રાતે 12 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલાઓની ઓળખ રાધેશ્યામ દવંડે (34), વિવેક રાજભર (24) અને રિતેશ સાળવે (27) તરીકે થઈ હતી. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર આરે કોલોની પરિસરમાં રહેતા ત્રણેય જણ રાતે બાઈક પર ટ્રિપલ સીટ જઈ રહ્યા હતા. બાઈક દવંડે ચલાવી રહ્યો હતો. પૂરપાટ દોડતી બાઈક પરથી દવંડેએ કાબૂ ગુમાવ્યો હતો. પિકનિક પૉઈન્ટ નજીક બાઈક વીજળીના થાંભલા સાથે ભટકાતાં ત્રણેય દૂર ફંગોળાયા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં બે જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે ત્રીજાને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયો હતો, જ્યારે કલાક પછી તેણે પણ જીવ ગુમાવ્યો હતો.