સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર ખાનગી બસે કન્ટેઇનરને ટક્કર મારતાં ત્રણનાં મોત

મુંબઈ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર અકસ્માતનો સિલસિલો ચાલુ જ હોઇ ગુરુવારે વહેલી સવારે એક્સપ્રેસવૅ પર અમરાવતી, તળેગાંવ દશાસર પોલીસ સ્ટેશનની હદમાં ભીષણ અકસ્માત થયો હતો, જેમાં ખાનગી બસે પાછળથી ક્ધટેઇનરને ટક્કર મારતાં ત્રણનાં મોત થયાં હતાં. બસના ડ્રાઇવરને ઝોકું આવતાં અકસ્માત થયો હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેયની ઓળખ છત્તીસગઢના ઋષી ગૌડ (20), ડગેશ્ર્વર ગૌડ (22) અને બસના ક્ધડક્ટર પ્રકાશ તરીકે થઇ હતી. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધામણગાંવ ખાતે ગ્રામીણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી બસ અહમદનગરથી રાયપુર જઇ રહી હતી. ગુરુવારે વહેલી સવારે સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર તળેગાંવ દશાસર ખાતે બસે ક્ધટેઇનરને પાછળથી ટક્કર મારી હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે ઘવાયેલા અમુક લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત બાદ બસચાલક ઘટનાસ્થળેથી ફરાર થતાં પોલીસે તેની શોધ આદરી હતી.