આમચી મુંબઈ

સીઆઈએસએફના જવાને દારૂના નશામાં કાર ચલાવી રિક્ષાને અડફેટે લેતાં મહિલાનું મોત

મહિલાની બે પુત્રી સહિત ત્રણ જખમી: સીઆઈએસએફના જવાનની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાને દારૂના નશામાં કાર ચલાવી રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના ગોરેગામ પૂર્વમાં બની હતી. આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેની બે પુત્રી અને રિક્ષા ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયાં હતાં. પોલીસે સીઆઈએસએફના જવાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો પણ ગુનો નોંધ્યો હતો.

વનરાઈ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ જોગેશ્ર્વરીમાં રહેતી હઝરા ઈસ્માઈલ શેખ (48) તરીકે થઈ હતી. આ પ્રકરણે ધોંડીરામ પ્રેમરામ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આપણ વાંચો: સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફને કેટલું ભંડોળ મળશે?

પોલીસ ફરિયાદ અનુસાર ગુરુવારની સવારે શેખ તેની બે પુત્રી સાથે રિક્ષામાં મલાડ જઈ રહી હતી. હઝરાનો પતિ તેમની ત્રીજી અને સૌથી નાની દીકરી સાથે બીજી રિક્ષામાં જઈ રહ્યો હતો. હઝરાની રિક્ષા ગોરેગામ પૂર્વમાં બ્રિજ પર પહોંચી ત્યારે સામેથી પૂરપાટ વેગે આવેલી સ્કોર્પિયો કારે તેને ટક્કર મારી હતી.

કહેવાય છે કે ડ્રાઈવર ધોંડીરામ યાદવે કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર પરથી ઊછળીને સામેની દિશામાંથી આવતી રિક્ષા સાથે ટકરાઈ હતી. બીજી રિક્ષામાં આવતો હઝરાનો પતિ હઝરા અને બન્ને દીકરીને ટ્રોમા કૅર સેન્ટરમાં લઈ ગયો હતો, જ્યાં તબીબે હઝરાને મૃત જાહેર કરી હતી.

આપણ વાંચો: રોડ રેજની ઘટના: સીઆઈએસએફના જવાનોએ ડૉક્ટર સહિત ત્રણની કરી મારપીટ

હઝરાની બે દીકરી અને રિક્ષા ડ્રાઈવર સોનુ યાદવને અકસ્માતમાં ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે યાદવના લોહીના નમૂના લીધા હતા, જેની તપાસમાં તે દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે તેની વિરુદ્ધ સદોષ મનુષ્યવધની કલમ સહિત ભારતીય ન્યાય સંંહિતાની સુસંગત કલમો અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સીઆઈએસએફના જવાને તેની કાર મલાડ પૂર્વમાં રિપેરિંગ માટે આપી હતી. રિપેર પછી કાર લઈને તે પાછો સાંતાક્રુઝના સીઆઈએસએફ કૅમ્પ જઈ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button