આમચી મુંબઈ

કૂપર હૉસ્પિટલમાં ત્રણ ડૉક્ટરની મારપીટ

…તો સોમવાર સાંજથી પાલિકાની મુખ્ય ચાર હૉસ્પિટલનું કામકાજ બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિલેપાર્લેની કૂપર હૉસ્પિટલના ઈમર્જન્સી વૉર્ડમાં લાવવામાં આવેલા દરદીના પરિવારજનોએ ત્રણ ડૉક્ટરની મારપીટ કરતાં આ ઘટનાની રેસિડેન્ટ ડૉક્ટરોના ઍસોસિયેશને ગંભીર નોંધ લીધી હતી. ડૉક્ટરોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સૂચવેલાં જરૂરી પગલાં બાબતે પ્રશાસન દ્વારા સંતોષજનક ઉકેલ લાવવામાં ન આવે તો મુંબઈ મહાપાલિકા સંચાલિત ચાર મુખ્ય હૉસ્પિટલનું કામકાજ સોમવાર સાંજથી બંધ કરી દેવાની ચીમકી આપવામાં આવી છે.

ડૉક્ટરોની મારપીટની ઘટના શુક્રવારની મધરાતે એક વાગ્યાની આસપાસ બની હતી. કૂપરના ઈમર્જન્સી વૉર્ડમાં દરદીને લાવવામાં આવ્યો હતો. દરદીની હાલત ગંભીર હોવાથી ડૉક્ટરોએ તાત્કાલિક ઉપચાર શરૂ કર્યો હતો. એ જ સમયે સહમતીપત્ર પર હસ્તાક્ષર કરવા માટે દરદીનાં સગાંસંબંધીને બોલાવવામાં આવ્યાં હતાં. જોકે ઉશ્કેરાયેલા પરિવારજનોએ કોઈ પણ જાતની પૂછપરછ વિના સીધી ફરજ પર હાજર ડૉક્ટરો સાથે રકઝક શરૂ કરી હતી. બાદમાં ત્રણ ડૉક્ટરો સાથે બેરહેમીથી મારપીટ કરાઈ હતી.

આ મામલે શનિવારે સવારે જૂહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. મારપીટમાં ઘવાયેલા ડૉક્ટરોની સારવાર કરવામાં આવી હતી. સારવાર પછી તબિયત સુધારા પર હોવા છતાં તેમને ઘણો માનસિક આઘાત લાગ્યો છે. ત્રણેય ડૉક્ટર માનસિક તણાવ હેઠળ હોવાની માહિતી મહારાષ્ટ્ર ઍસોસિયેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ (માર્ડ) દ્વારા આપવામાં આવી હતી.
આ ઘટનાની ગંભીર નોંધ લઈ માર્ડે જણાવ્યું હતું કે રેસિડેન્ટ ડૉક્ટરોની સુરક્ષાનો મુદ્દો ફરી ઉપસ્થિત થયો છે. કૂપર માર્ડે આ મામલે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સાથે અર્જન્ટ મીટિંગની માગણી કરી હતી.

માર્ડની અમુક માગણીઓ છે, જેમાં પાલિકા સંચાલિત હૉસ્પિટલોના ઈમર્જન્સી અને ક્રિટિકલ પરિસરમાં ચોવીસ કલાક તાલીમબદ્ધ માર્શલ-એમએસએફની નિયુક્તિ, ડૉક્ટરો પર હુમલો કરનારાની તાત્કાલિક મેડિકૅર પ્રોટેક્શન ઍક્ટ હેઠળ ધરપકડ, સિક્યોરિટી સુપરવાઈઝર્સને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવા, કાયમી સશસ્ત્ર સુરક્ષા અને સીસીટીવીનું મૉનિટરિંગનો સમાવેશ થાય છે. એ સિવાય મલ્ટિ-લેયર સિક્યોરિટી સિસ્ટમ અને દર મહિને માર્ડ સાથે સેફ્ટી ઑડિટની પણ માગણી કરવામાં આવી છે.

માર્ડે અલ્ટિમેટમ આપ્યું છે કે સોમવારની સાંજે પાંચ વાગ્યા સુધીમાં માગણીઓનો સંતોષજનક ઉકેલ નહીં આવે અને એડિશનલ કમિશનર સાથેની મીટિંગમાં નક્કર પરિણામો નહીં આવે તો કૂપર માર્ડની સામૂહિક સજાની અપીલમાં પાલિકાની ચારેય મુખ્ય હૉસ્પિટલ-કેઈએમ, નાયર, સાયન અને કૂપર જોડાશે. ઈમર્જન્સી સિવાયની તમામ તબીબી સેવાઓ સોમવાર સાંજથી બંધ કરવામાં આવશે, એવું માર્ડનું કહેવું છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button