વેપારીની 10 લાખની રોકડ પડાવવાના કેસમાં મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણની ધરપકડ

મુંબઈ: બાન્દ્રા રેલવે ટર્મિનસ પર પોલીસના સ્વાંગમાં મલાડના કાપડના વેપારીની 10.5 લાખની રોકડ તફડાવવાના કેસમાં મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બાન્દ્રા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર વિજયા નીલકંઠ ઈંગવલેની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ગુનામાં મહિલા અધિકારીની સંડોવણી સામે આવતાં રેલવેના પોલીસ કમિશનરે બાન્દ્રા રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારે બાન્દ્રા ટર્મિનસ ખાતે બની હતી. અંધેરીમાં રહેતા ઝહીર અહમદે ફરિયાદી વિકાસ ગુપ્તાનો સંપર્ક સાધ્યો હતો. ઈલેક્ટ્રોનિકની વસ્તુઓની આયાતના વ્યવસાય માટે અહમદે મલાડમાં કાપડની દુકાન ધરાવતા ગુપ્તાને મનાવી લીધો હતો.
અહમદે તેના સાથીઓ સાથે કાવતરું ઘડીને સોમવારની સાંજે ગુપ્તાને 10.5 લાખ રૂપિયા લઈને બાન્દ્રા ટર્મિનસ બોલાવ્યો હતો. સ્ટેશન પર પોલીસના સ્વાંગમાં બે આરોપી નીલેશ દીપક કળસુલકર (45) અને પ્રવીણ વેદનાથ શુક્લા (32) ગુપ્તાને મળ્યા હતા. બન્ને જણે ગુપ્તા પાસેની બૅગ બાબતે તેની પૂછપરછ કરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર પોતે મલાડમાં કપડાંની દુકાન ધરાવતો હોવાથી કપડાં ખરીદવા માટે તે ગુજરાત જઈ રહ્યો હોવાનું ગુપ્તાએ કહ્યું હતું. કપડાં ખરીદવાની રકમ બૅગમાં હોવાનો દાવો તેણે કર્યો હતો.
બૅગમાંની રોકડને લઈ બન્ને જણે ગુપ્તાને ધમકાવવા માંડ્યો હતો, જેને કારણે ગુપ્તા ડરી ગયો હતો. પછી બન્ને રોકડ ભરેલી બૅગ લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ પ્રકરણે ગુપ્તાએ બાન્દ્રા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાન્દ્રા ટર્મિનસ પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે નીલેશ અને પ્રવીણને પકડી પાડ્યા હતા. બન્નેની પૂછપરછમાં મહિલા અધિકારીની ભૂમિકા સામે આવી હતી.
(પીટીઆઈ)
આ પણ વાંચો…થાણેમાં બિલ્ડંગમાં ફ્લેટનો સ્લેબ તૂટી પડયો: પાલિકાએ બિલ્ડિંગ ખાલી કરાવી