ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર: એક ઝડપાયો
ઈટાવા રેલવે સ્ટેશન નજીક આરોપી હાથકડી સાથે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા

મુંબઈ: છેતરપિંડીના કેસમાં ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. યુપીના ઈટાવા સ્ટેશને ટ્રેન પહોંચી ત્યારે હાથકડી સાથે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડેલા ત્રણમાંથી એક આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ફરી પકડી પાડ્યો હતો, જ્યારે ફરાર બેની શોધ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ આરોપી મોહમ્મદ અનીસ, રેહાન ફારુકી અને અકીલ અહમદ વિરુદ્ધ નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતના ગુના નોંધાયેલા છે. ત્રણેય આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાની માહિતી મળતાં નાલાસોપારા પોલીસની એક ટીમ ત્યાં ગઈ હતી.
આ પણ વાંચો: ડીઆરઆઈની નાગપુર ઑફિસમાંથી કૂદકો મારી આરોપીની આત્મહત્યા
સ્થાનિક પોલીસની મદદથી પ્રતાપગડ જિલ્લામાંથી ત્રણેય આરોપીને તાબામાં લેવાયા હતા. સોમવારે સ્થાનિક અદાલતમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ગાઝીપુર બાન્દ્રા એક્સપ્રેસથી આરોપીઓને નાલાસોપારા લાવવામાં આવી રહ્યા હતા. મંગળવારના મળસકે પાંચ વાગ્યાની આસપાસ ટ્રેન ઈટાવા પહેલાંના ઈકદિલ સ્ટેશને પહોંચી ત્યારે ત્રણેય આરોપી હાથકડી સાથે ચાલતી ટ્રેનમાંથી કૂદી ભાગી છૂટ્યા હતા.
ઈટાવા સ્ટેશને ટ્રેન ઊભી રહ્યા પછી નાલાસોપારા પોલીસે ઘટનાની માહિતી ઈટાવા રેલવે પોલીસને આપી હતી. પોલીસે શોધ હાથ ધરી ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડી પાડી નાલાસોપારા લાવવાની પ્રક્રિયા ત્રણ દિવસથી શરૂ હતી, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે.