કોલકતામાં 50 લાખની ઠગાઈના કેસમાં ત્રણ આરોપી નાલાસોપારામાં પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોલકતાના ડૉક્ટરને છેતરીને 50 લાખ રૂપિયાની કથિત ઠગાઈ કરવાના કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીને નાલાસોપારાથી પકડી પાડવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સૈયદ રિયાઝ કાઝી (36), વકપ મોહમ્મદ જાવેદ ચાંદીવાલા (28) અને સચિન મનોહર પ્રસાદ આર્યભટ (32) તરીકે થઈ હતી. વધુ તપાસ માટે આરોપીને કોલકતા પોલીસના તાબામાં સોંપાયા હતા.
આપણ વાંચો: ખેડૂત પરિવારને છેતરી 11 કરોડ ચૂંટણી બોન્ડમાં જમા કરાવ્યા: કોર્ટે આપ્યો તપાસનો હુકમ
કોલકતાના સિલીગુડી ખાતે રહેતા ડૉ. અગ્રવાલને આરોપીએ વ્હૉટ્સઍપ કૉલ કર્યો હતો. ફરિયાદીના પિતાના પરિચિત સેન્ચ્યુરી પ્લાયના માલિક ભજનકા બોલી રહ્યો હોવાનું જુઠ્ઠાણું આરોપી ચલાવ્યું હતું. વાતોમાં ફોસલાવી આરોપીએ ફરિયાદી પાસેથી પચાસ લાખ રૂપિયા પડાવ્યા હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતાં ડૉક્ટરે કોલકતાની પાર્ક સ્ટ્રીટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન આ કેસમાં સંડોવાયેલા આરોપી નાલાસોપારા પરિસરમાં રહેતા હોવાની માહિતી કોલકતા પોલીસને મળી હતી. માહિતીને આધારે એન્ટી રાવડી સેક્શન ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટના અધિકારી નાલાસોપારા આવ્યા હતા અને ડીસીપી અવિનાશ અંબુરેને મળ્યા હતા. ડીસીપીના આદેશથી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના સિનિયર ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવરેની ટીમે તપા કરી ત્રણેય આરોપીને નાલાસોપારામાં પકડી પાડ્યા હતા.