જીવનસાથીને આત્મહત્યાની ધમકી આપવી એ ક્રૂરતા છેઃ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

મુંબઈ: જીવનસાથીને ધમકી આપવી અથવા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવો એ ‘ક્રૂરતા’ બરાબર છે અને તે છૂટાછેડા માટેનું માન્ય કારણ બને છે એમ બોમ્બે હાઇ કોર્ટે જણાવ્યું છે.
ગયા મહિને આપેલા આદેશમાં હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠના ન્યાયમૂર્તિ આર એમ જોશીએ એક દંપતીના છૂટાછેડા ને માન્ય કરતા ફેમિલી કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા ફરમાનને સમર્થન આપ્યું હતું. મહિલાએ ફેમિલી કોર્ટના આદેશને પડકારી હાઇ કોર્ટમાં અરજી કરી હતી.
આપણ વાંચો: બદલાપુર એન્કાઉન્ટર કેસમાં પાંચ પોલીસ આરોપી સામે ગુનો નોંધશો, હાઈ કોર્ટનો સવાલ?
પત્નીએ આત્મહત્યા કરી તેને અને તેના પરિવારને જેલમાં મોકલવાની ધમકી આપી હોવાનો આરોપ પુરુષે કર્યો હતો. ફેમિલી કોર્ટ સમક્ષ છૂટાછેડાની માગણી કરતી અરજીમાં પુરુષે જણાવ્યું હતું કે આ હિન્દુ મેરેજ એક્ટની જોગવાઇઓ હેઠળ ક્રૂરતા બરાબર છે.
હાઇ કોર્ટની ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે પતિ અને અન્ય સાક્ષીઓ દ્વારા ફેમિલી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવાઓ પતિની ક્રૂરતાની દલીલ સાબિત કરે છે. મહિલાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પતિ અને તેના પિતાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાથી સાસરું છોડીને જતી રહી હતી. પતિ સાથે કોઈ ક્રૂરતા કરી હોવાનો ઇનકાર તેણે કર્યો હતો.
(પીટીઆઈ)