
મુંબઇઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામે ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ કામરાન ખાન તરીકે થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખાને ગઈકાલે સાંજે મુંબઈ પોલીસ કંટ્રોલ નંબર પર ફોન કર્યો હતો અને દાવો કર્યો હતો કે દાઉદ ઈબ્રાહિમના સાગરિત દ્વારા તેને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર બોમ્બ વિસ્ફોટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
ફોન કરનારે એમ પણ કહ્યું હતું કે જો તેને તબીબી સારવાર નહીં આપવામાં આવે તો તે જેજે હોસ્પિટલમાં પણ બોમ્બ લગાવી દેશે. આ પછી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ હતી અને ફોન કરનારને ટ્રેસ કર્યો હતો. પોલીસે ફોન કરનારની મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારમાંથી અટકાયત કરી હતી. મુંબઈની આઝાદ મેદાન પોલીસે આઈપીસીની કલમ 505(2) હેઠળ યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ફરિયાદીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે રિયાઝ ભાટી અને તેના નજીકના સાથીઓએ તેને જૂન 2022 થી 4 નવેમ્બર, 2023 સુધી ધમકી આપી હતી અને કહ્યું હતું કે કોર્ટમાં જુબાની આપવા માટે ન જાવ અને જો તેઓ જાય તો તેમણે રિયાઝ ભાટીની તરફેણમાં જુબાની આપવી જોઈએ. જો તેમ નહીં કરે તો જાનથી મારી નાખવાની પણ તેણે ધમકી પણ આપી હતી.
આ મામલામાં એક અધિકારીએ કહ્યું હતું કે આ મામલો અંડરવર્લ્ડ સાથે સંબંધિત છે. આ કારણે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે રિયાઝ ભાટી હાલ જેલમાં છે અને તેણે જેલમાં બેસીને ફરિયાદીને ધમકી આપી હતી.
રિયાઝ ભાટીનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયા બાદ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ભાટી છોટા રાજન ગેંગમાં હતો. પરંતુ તેની સાથે રહીને તેણે છોટા શકીલ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. જો કે ભાટીએ દાઉદનો સહયોગી હોવાનો ઈન્કાર કર્યો છે.