સત્યચા મોરચામાં હજારોની મેદનીઃ આ કૉંગ્રેસ નેતાઓ પણ જોડાયા…

મુંબઈઃ ચૂંટણી પંચની કાર્યશૈલી સામે વિરોધ વ્યક્ત કરવા માટે મહાવિકાસ ગઠબંધન (એમવીએ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ સત્ચનો મોરચો જાહેર કર્યો હતો. શનિવારે બપોરે આ મોરચો કાઢી સામાન્ય જનતાને તકલીફ ન પડે તેવી જાહેરાત રાજકીય પક્ષોએ કરી હતી, પરંતુ દક્ષિણ મુંબઈ ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયેલા કાર્યકર્તાઓને જોતા લાગી રહ્યું છે કે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે.
લોકસભાની ચૂંટણીમાં એમવીએને બહુ સારા મત મળ્યા બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમનો સફાયો થઈ ગયો હતો. બિહાર ચૂંટણી પહેલા રાહુલે મતદાન પ્રક્રિયામાં જ કથિત ગેરરીતિના આક્ષેપો કર્યા હતા અને તે સમયે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ગેરરીતિઓના આક્ષેપો કર્યા હતા. મુંબઈ પાલિકાની ચૂંટણી પહેલા વિરોધપક્ષોએ આ મુદ્દાને ઉછાળ્યો છે અને આજે ચૂંટણી પંચની કાર્યશૈલીનો વિરોધ કરવા અને નિષ્પક્ષ ચૂંટણીની માગણી કરવા મોરચો કાઢ્યો છે.
મોરચામાં સામેલ થવા મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ લોકલ ટ્રેનથી પ્રવાસ કર્યો હતો. રાજ સાથે ઉદ્ધવ ઠાકરે (શિવસેના) તેમ જ તેમના દીકરા આદિત્ય અને અમત ઠાકરે પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે મનસેના કાર્યકર્તાઓ મતદાર યાદીની ટોપી પહેરી રેલીમાં જોડાયા હતા. મોરચા માટે મુંબઈ બહારથી પણ કાર્યકર્તાઓ આવ્યા છે.
એમવીએના ઘટક પક્ષ તરીકે કૉંગ્રેસે પણ આ રેલીને સમર્થન જાહેર કર્યું હતુ ત્યારે મળતી માહિતી અનુસાર બાળાસાહેબ થોરાત, વિજય વડ્ડેટીવાર, અરિફ નસીમ ખાન, સતેજ પાટીલ, ભાઈ જગતાપ અને સચિન સાવંત જોડાઈ રહ્યા છે, તેમ સૂત્રો દ્વારા જાણકારી મળી છે.



