નાળામાં કચરો ફેંકનારાને ભરવો પડશે દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા નાળાઓમાં કચરો ફેંકનારા સામે આકરી દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. એ સાથે જ મુંબઈના નાગરિકોને નાળામાં કચરો નહીં ફેંકવાની અપીલ પણ કરવામાં આવી છે.
મુંબઈના નાગરિકોના ઉત્તમ, નિરોગી આરોગ્ય માટે મુંબઈ મહાનગરપાલિકાએ ‘ડીપ ક્લીનેસ’ અવેરનેસ હાથ ધરી છે, જે અંતર્ગત રસ્તા, ફૂટપાથ, ગટર અને નાળાઓની સફાઈ કરવામાં આવી રહી છે. મુંબઈમાં જે ઠેકાણે સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે, તે પરિસરમાં નાગરિકો ફરી કચરો ફેંકે નહીં તે માટે તેમ જ નાળામાં કચરો ફેંકે નહીં તે માટે આવા લોકો સામે દંડાત્મક પગલા લેવાની પ્રશાસને ચેતવણી આપી છે.
સ્વચ્છતા ઝુંબેશ હેઠળ ફક્ત ૧૫ દિવસમાં કુલ ૧,૦૪૨ મેટ્રિક ટન કાટમાળ, ૧૩૯ મેટ્રિક ટન ઘનકચરો ભેગો કરવામાં આવ્યો હતો. પાલિકાની સ્વચ્છતા ઝુંબેશ હેઠળ સફાઈ કર્યા બાદ પણ મુંબઈના નાળામાં નાગરિકો વારંવાર કચરો નાખે છે. આ કચરામાં થર્મોકોલ, પ્લાસ્ટિકની થેલી, ફર્નિચર, રબર જેવું ફ્લોટિંગ મટિરિયલ ફેંકે છે, તેને કારણે નાળામાં રહેલા પાણીના વહેણમાં અડચણ નિર્માણ થાય છે, તેથી પાલિકા અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે.
પાલિકાના ઘનકચરા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ નાળામાંથી ગાળ અને કચરો બહાર કાઢવાનું કામ નિયમિતરીતે ચાલુ છે. નાળામાં આવતા કચરાને રોકવા માટે નાના નાળાના ઠેકાણે જાળીઓ લગાવવાનો તથા મોટા નાળાના ઠેકાણે સ્ક્રિનિંગ અથવા નેટનો ઉપયોગ કરી શકાય તે માટે પાલિકા અભ્યાસ કરી છે. પ્રાયોગિક ઠેકાણે અમુક ઠેકાણ જાળી બેસાડવામાં આવી છે.