‘મોર્નિગ વોક’ કરનારાને ધૂળ, પ્રદૂષણથી મળશે રાહત!
‘મોર્નિગ વોક’ માટે આવનારા લોકો માટે પરિસરને સાફ રાખવાનો મુખ્ય પ્રધાનનો નિર્દેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના લાખો મોર્નિંગ વોકરો હવે પોતાના શ્ર્વાસમાં ચોખ્ખી હવા લઈ શકશે. મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના જે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો સવારના આટોફેરો કરવા પહોંચે તે પહેલા જ તે રસ્તા પરની ધૂળ સાફ કરવાનો અને તેને પાણીથી ધોવાનો નિર્ણય લીધો છે. જેથી લોકો ધૂળ-પ્રદૂષણરહિત ચોખ્ખી હવા શ્ર્વાસમાં લઈ શકશે. પ્રશાસને શહેરના તમામ ૨૫ પ્રશાસકીય વોર્ડના અધિકારીઓને ‘મોર્નિગ વોકર’ નિયમિત આવતા હોય તેવા પરિસરને ઓળખી કાઢવા માટે પણ કહ્યું છે.
આરોગ્ય માટે સજાગ રહેનારા લાખો મુંબઈગરા વહેલી સવારે તાજી હવા શ્ર્વાસમાં લેવા માટે મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે. પરંતુ ચોખ્ખી હવાને બદલે ધૂળ અને પ્રદૂષણભરી ઝેરી હવા તેઓ શ્ર્વાસમાં લેતા હોય છે. મુંબઈમાં મોટી સંખ્યામાં ચાલી રહેલા વિકાસ કામોની સાથે જ વાતાવરણમાં વધતી ધૂળને કારણે હવાની ગુણવત્તા બગડી ગઈ છે. ચોખ્ખી હવાને બદલે લોકો પોતાના શ્ર્વાસમાં ઝેરી હવા ભરી રહ્યા છે. તેથી હવે મુંબઈ મહાનગરપાલિકા મુંબઈના નાગરિકોના આરોગ્ય માટે વધુ એક પગલું આગળ વધવાની છે.
શનિવારે મુખ્ય પ્રધાન ‘ડીપ ક્લિનિંગ’ ઝુંબેશ દરમિયાન શહેરમાં ‘મોર્નિગ વોક’ માટે નીકળનારા લોકોને અગવડ ના પડે તે મુજબ સંબંધિત વિસ્તારોને ઓળખીને તે વિસ્તારોને સાફ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ આ બાબતે જણાવ્યું હતું કે મુંબઈમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે તમામ પ્રકારની ઉપાયયોજના અમલમાં મૂકી છે. પરંતુ હવે અમારું ધ્યાન વહેલી સવારના મોર્નિંગ વોક કરવા માટે નીકળતા લોકોના આરોગ્ય પ્રત્યે રહેશે. મુંબઈના જે વિસ્તારમાં મોટી સંખ્યામાં દરરોજ મોર્નિંગ વોક માટે નાગરિકો નીકળે છે, તે વિસ્તારોને ઓળખી કાઢવાનો આદેશ તમામ વોર્ડના અધિકારીઓને આપવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં નાગરિકો ‘મોર્નિગ વોક’ માટે સવારના પહોંચે તે પહેલા જ તેને અમારા કર્મચારીઓ સંબંધિત વિસ્તારની ધૂળ સાફ કરીને તે રસ્તાઓને પાણીથી ધોઈને સાફ કરી નાખશે. જેથી સવારના સમયે લોકો પોતાના શ્ર્વાસમાં ઝેરી નહીં પણ ચોખ્ખી હવાનો શ્ર્વાસ ભરે.
નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ સમગ્ર મુંબઈમાં સૌથી વ્યસ્ત રસ્તાઓ પર રહેલા ધૂળના કણો સાફ કરવાની સાથે જ તે રસ્તાઓને પાણીથી ધોવામાં પ્રાથમિકતા રાખી છે. વેહિકલ માઉન્ટેડ મિસ્ટ સ્પ્રેયર મશીન અને પાણીના ટેન્કરો સાથે જોડાયેલા પાઈપ દ્વારા રસ્તાઓને ધોવામાં આવી રહ્યા છે. પ્રશાસન હાલ દરરોજ ૧,૦૦૦ કિલોમીટરના રસ્તા ધોવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તે માટે દરેક વોર્ડમાં વધારાના ૧૦ ટેન્કર ભાડા પર લેવાનું પણ નક્કી કર્યું છે.
મુખ્ય પ્રધાને વાયુ પ્રદૂષણને રોકવા માટે આપેલા નિર્દેશ બાદ પાલિકાએ ત્રણ નવેમ્બરથી મુંબઈમાં અતિવ્યસ્ત રહેનારા રસ્તાઓને ધોવાનું શરૂ કર્યું છે. શહેરના ૨,૦૫૦ કિલોમીટર લાંબા રસ્તાના જાળાઓમાંથી દરરોજ ૧,૦૦૦ કિલોમીટર રસ્તો ધોવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ ભંડોળની અછત અને મર્યાદિત સંસાધનો અને નોન-પીક અવર્સ દરમિયાન રસ્તાની સફાઈ જેવા પડકારોને કારણે પાલિકા હાલ ફક્ત દરરોજ ફક્ત ૫૦૦ કિલોમીટરના રસ્તા જ પાણીની સાફ કરી રહી છે.