આ વર્ષે ગણેશોત્સવમાં માત્ર શાડૂ માટીની જ મૂર્તિઓ હશે
કોર્ટના આદેશ મુજબ પીઓપી પરના પ્રતિબંધનો કડકાઈથી અમલ કરશે સુધરાઈ: મૂર્તિકારો સાથેની બેઠકમાં અપાઈ ગયું અલ્ટિમેટમ

મુંબઈ: હાઈ કોર્ટના આદેશ તથા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સૂચના મુજબ આ વર્ષે ગણેશોત્સવ પર્યાવરણને નુકસાન ન થાય એવી પદ્ધતિએ ઉજવવામાં આવે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જે અંતર્ગત શુક્રવારે મૂર્તિકારો સાથે બેઠક લઈને પીઓપીની મૂર્તિ નહીં બનાતા શાડૂ માટીની મૂર્તિ બનાવવાનો નિર્દેશ પાલિકા પ્રશાસને આપ્યો હતો. તે માટે વહેલા તે પહેલાના ધોરણે મૂર્તિકારોને મૂર્તિ માટે માટી આપવાનું આશ્ર્વાસન પ્રશાસને આપ્યું હતું.
ગણેશોત્સવ ૨૦૨૫ની ઉજવણી સંપૂર્ણપણે પર્યાવરણને અનુરૂપ કરવા માટે પાલિકાએ મૂર્તિકારોને મંડપ વહેલા તે પહેલાને ધોરણે મફતમાં જગ્યા ઉપલબ્ધ કરી આપવાની છે. તેમ જ મૂર્તિ ઘડવા માટે લાગનારી પર્યાવરણને અનુરૂપ શાડૂ માટી પણ મૂર્તિકારોને મફતમાં આપવાની છે. તેની સામે મૂર્તિકારાઓે પણ પાલિકાને સહકાર્ય કરવાનું રહેશે એવી સૂચના શુક્રવારે પરેલમાં મૂર્તિકારો સાથેની બેઠક દરમ્યાન પાલિકા પ્રશાસને આપી હતી.
પાલિકાના ઝોન-બેના ડેપ્યુટી કમિશનર અને ગણેશોત્સવ સમન્વયક પ્રશાંત સપકાળેએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ જ ગણેશોત્સવની ઊજવણી કરવાની રહેશે. પીઓપીની મૂર્તિને મંજૂરી આપવામાં આવશે નહીં અને તેનું વિસર્જન પણ મુંબઈમાં કરવા દેવામાં આવશે નહીં. મૂર્તિકારોએ વન વિન્ડો યોજના હેઠળ તમામ મંજૂરીઓ આપવામાં આવશે પણ તેમણે શાડૂ માટીની મૂર્તિ બનાવવાની રહેશે.
વધુમાં પ્રશાંત સપકાળેએ જણાવ્યું હતું કે મુંબઈમાં મોટાભાગની પીઓપીની મૂર્તિ કોંકણ જિલ્લાના પેણમાંથી આવે છે. તેથી પાલિકાએ કોંકણ વિભાગના કમિશનરને પત્ર લખીને કોંકણ મહેસૂલ વિભાગના જિલ્લામાં પર્યાવરણપૂરક મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોેને પ્રોત્સાહન આપવા માટે અને તેમને શાડૂની મૂર્તિ પૂરી પાડવા માટે અપીલ કરી છે, કારણકે મુંબઈમાં ગણેશભક્તોના ઘરે આવતી મોટાભાગની મૂર્તિ પેણમાંથી આવતી હોય છે અને ત્યાંના મૂર્તિકારોને પાલિકા મફતમાં માટી ઉપલબ્ધ કરી આપી શકે નહીં. તેથી તે માટે ત્યાંના પ્રશાસને જ પગલાં લેવાનાં રહેશે.
આ પણ વાંચો…શું ગણેશોત્સવ દરમિયાન પીઓપી મૂર્તિઓનો ઉપયોગ કરી શકાશે? પંકજા મુંડેએ આપ્યો શું જવાબ