SSC & HSCની બોર્ડ પરીક્ષા માટે ખાનગી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આ રહેશે

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા માટે ૧૭ નંબરના ખાનગી ફોર્મ ભરવા અંગે છેલ્લી મુદત તારીખ જાહેર કરવામાં આવી છે, એવી બોર્ડે જાહેરાત કરી છે.
એસએસસી અને એચએસસી પરીક્ષાઓ માટે ખાનગી ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓ ૨૦ ડિસેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી નજીકની શાળા અને કોલેજોમાં જમા કરવાના રહેશે. ૧૭ નંબરનું ફોર્મ જમા કરાવતી વખતે વિદ્યાર્થીઓએ પોતાની સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તેની કોપી અથવા એફિડેવિટ અથવા આધાર કાર્ડની નકલ ફરજિયાત જમા કરાવવાની રહેશે, એમ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું.
આ બધા દસ્તાવેજો સાથે વિદ્યાર્થીઓએ મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી પણ આપવાનું રહેશે. આ ઈમેલ આઇડી પર વિદ્યાર્થીઓને તેમણે ભરેલા ફોર્મની એક સોફ્ટ કોપી મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ આ બધા દસ્તાવેજોની બે કોપી અને ફી નજીકના શાળા અને કોલેજોમાં જમા કરવાના રહેશે.
પ્રશાસન દ્વારા અધિકૃત શાળા અને કોલેજ કોઈપણ વિદ્યાર્થીઓના ફોર્મને અ સ્વીકાર ન કરે એવો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ આદેશથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. ૨૦ ડિસેમ્બર દસમા અને બારમા ધોરણની બોર્ડ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ રહેશે. આ તારીખ ચૂકી ગયા બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં યોજનારી પરીક્ષાઓના ફોર્મ ભરવા નવી તારીખ જારી કરવામાં આવશે નહીં. એવી જાહેરાત મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
આ વેબસાઇટ પર ભરી શકાશે બોર્ડ પરીક્ષાના ફોર્મ
દસમા ધોરણ માટે: http://form17.mh-ssc.ac.in
બારમા ધોરણ માટે: http://form17.mh-hsc.ac.in