માથેરાનમાં પણ શરૂ થશે આ અત્યાધુનિક સુવિધા, રેલવે પ્રશાસને લીધો મહત્ત્વનો નિર્ણય

મુંબઈ: મહારાષ્ટ્રના જાણીતા પર્યટન સ્થળ માથેરાનમાં દર વર્ષે હજારો પર્યટકો આવતા હોય છે. હિલ સ્ટેશન માથેરાનમાં પર્યટકોને વધુ સારી સગવડ સુવિધા પૂરી પાડવા માટે મધ્ય રેલવે દ્વારા માથેરાન સ્ટેશન પર પોડ હોટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોટા ભાગે આવા પોડ હોટેલ્સનું ભાડું ખૂબજ મોંઘું હોય છે, પણ મધ્ય રેલવે દ્વારા ઓછી કિંમતમાં પ્રવાસીઓને પોડ હોટેલ અને સ્લીપિંગ પોડ હોટેલની સેવાઓ પૂરી પાડવામાં આવશે, એવી માહિતી રેલવેના એક અધિકારીએ આપી હતી.
માથેરાન સ્ટેશન પર પોડ હોટેલ બનાવવા માટે એક ખાનગી કંપની સાથે મધ્ય રેલવે દ્વારા કરાર કરવામાં આવ્યો છે.
આ હોટેલ તૈયાર થયા બાદ દર વર્ષે રેલવેને લાખો રૂપિયાની આવક મળશે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધાઓ આપવા માટે નોન ફેર રેવન્યૂ યોજના હેઠળ રેલવે સ્ટેશન અને પરિસરના વિવિધ પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.
રેલવેની આ યોજના હેઠળ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર પણ આલિશાન પોડ હોટેલ અને સ્લીપિંગ પોડ હોટેલ બનાવવામાં આવ્યું છે. મુંબઈના આ પોડ હોટેલને ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી હવે માથેરાન ખાતે પણ આ પ્રકારની પોડ હોટેલ બનાવવામાં આવવાનો નિર્ણય મધ્ય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.
પોડ હોટેલ બનાવવા માટે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેથી ટૂંક સમયમાં હોટેલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. માથેરાન સ્ટેશન પરિસરમાં 758.99 ચોરસ મીટરની જગ્યામાં પોડ હોટેલ બાંધવામાં આવવાની છે. આ હોટેલ મુંબઈના પોડ હોટેલ કરતાં પણ ત્રણ ગણી મોટી હશે અને આ હોટેલમાં 100 કરતાં પણ વધુ પોડ ચેમ્બર રાખવામાં આવવાના છે. આ પોડ્સમાં સિંગલ, ડબલ અને ફેમિલી આમ ત્રણ પ્રકારના પોડની સુવિધા પ્રવાસીઓને મળશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.
હોટેલ બનાવવારી કંપનીની ઈ-હરાજી દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ આ કંપનીને 8.19 લાખ રૂપિયાનો વાર્ષિક કરાર કર્યો હતો. આ કરાર મુજબ ત્રણ વર્ષ પૂરા થયા બાદ પોડના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવશે, એમ કુલ 10 વર્ષ માટે આ કરાર કરવામાં આવ્યો હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી. આ પોડમાં ત્રણ પ્રકારના એસી પોડ લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ પોડમાં મોબાઈલ ચાર્જિંગ પોર્ટ, લૉકર રૂમ, ફાયર અલાર્મ, ઇન્ટરકૉમ સેવા અને ડિલક્સ ટોઇલેટ પણ હશે.