Central Railwayમાં લોકલ ટ્રેનોના ધાંધિયા માટે આ કારણ જવાબદાર નથી, જાણો શું છે?
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં મધ્ય રેલવેનો સૌથી મોટો રેલ કોરિડોર હોવાની સાથે ટ્રેનનું નેટવર્ક પણ જટીલ છે, પરંતુ સૌથી વધુ ટ્રેનસેવા ખોટકાવાના કિસ્સા અહીં બને છે. મધ્ય રેલવેમાં રોજની 1800થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જેમાં અકસ્માત સહિત ટેક્નિકલ ખામીને કારણે ટ્રેનસેવા પર અસર પડે છે. લોકલ ટ્રેનો મોડી પડવા માટે હવે સિગ્નલમાં ખામીના કારણ જવાબદાર હોઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગયા મહિના દરમિયાન ઉલ્હાસનગર સ્ટેશન પાસે ખામીયુક્ત સિગ્નલની ઘટના સામે આવ્યાના થોડા દિવસો પછી તેના અંગે હકીકતમાં જાણવા મળી હતી કે સિગ્નલમાં ગરબડ જવાબદાર હતી. મધ્ય રેલવેની મુખ્ય અને હાર્બર લાઇનમાં લગભગ ૩૪૭ સિગ્નલ પર ધ્યાન આપવાની જરૂર છે. લગભગ ૧૮-૨૦ સિગ્નલ ખરાબ હાલત છે અને અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે તેને ખસેડવાની જરૂર છે. મુંબઈમાં ૧,૨૦૦થી વધુ સિગ્નલ પોલ ટ્રેનની કામગીરીને નિયંત્રિત કરે છે અને સલામતીની દ્રષ્ટિએ મહત્વના છે.
છેલ્લા કેટલાક દિવસોથી, મધ્ય રેલવે દ્વારા સિગ્નલોનું નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે ખામીયુક્ત પ્લેસમેન્ટને લીધે મોટરમેનને સિગ્નલ જોવામાં સમસ્યા ઉભી થાય છે. વ્યાપકપણે બે મુદ્દાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા તો સિગ્નલની ગોઠવણી અને બીજું તકનીકી નિષ્ફળતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં મોટરમેન અને રેલવે યુનિયનોએ સિગ્નલની વિઝિબિલિટી સામે વાંધો ઉઠાવ્યો હતો.
શરૂઆતમાં ૪૦ સિગ્નલ શોધવામાં આવ્યા હતા, જે જોવાની સમસ્યાઓનું કારણ બની રહ્યા હતા. રેલવે યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ સિગ્નલ પોલ આદર્શ રીતે જમણી બાજુએ હોવા જોઈએ જે મોટરમેન સરળતાથી જોઈ શકે છે. રેલ સત્તાવાળાઓ તેને ગેન્ટ્રી પર મૂકવાનો વિકલ્પ પણ શોધી રહ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં બે અલગ-અલગ ઘટનાઓમાં એલર્ટ મોટરમેનોએ એક ટ્રેન માંડ ૧૦૦-૨૦૦ મીટર દૂર જોઈ. જોકે, ત્યાં એક યલો સિગ્નલ હતું, જે દર્શાવે છે કે ટ્રેન પસાર થઈ શકે છે. આ ઘટના ઉલ્હાસનગર સ્ટેશન નજીક બની હતી અને સત્તાવાળાઓએ આને ગંભીરતાથી લીધું છે અને આવી જ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સિગ્નલિંગ સિસ્ટમનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટના બાદ રેલવે યુનિયનોએ આવી ઘટનાઓ સામે વાંધો ઉઠાવતા પોસ્ટરો લગાવ્યા હતા. દરમિયાન મધ્ય રેલવેએ સિગ્નલિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાના ઉપાય તરીકે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લઈ રહ્યા છે.
મોટરમેન કેબની અંદર સિગ્નલ લોકેશન એનાઉન્સમેન્ટ નામની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે જે મોટરમેનને આગામી લાલ સિગ્નલ પોલની હાજરીની જાણ કરશે. આગામી દિવસોમાં આ સાધનોને ૧૦ વધુ રેકની અંદર સ્થાપિત કરવામાં આવશે, જે સીએસએમટી -કર્જત/કસારા અને સીએસએમટી – પનવેલ બંને લાઇન પર ચાલશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.